Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

એન્ટીબાયોટીક્સ દવાઓનું આડેધડ સેવન ખુબ જોખમી

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વર્લ્ડ ફાર્માસીસ્ટ ડે :દર્દીને વિવિધ રોગના સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન અપાયું

અમદાવાદ, તા.૨૫ :    શહેરના એસજી હાઇવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આજે હોસ્પિટલ સત્તાધીશો અને ગુજરાત રાજય ફાર્માસીસ્ટ મંડળ તથા ફેડરેશન ઓફ સ્ટેટ ફાર્માસીસ્ટ દ્વારા વર્લ્ડ ફાર્માસીસ્ટ ડેની અનોખી ઉજવણી કરાઇ હતી. જે દરમ્યાન દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓમાં પ્રિસ્ક્રીપ્શન વિના દવાનું જે વેચાણ થાય છે, તે મુદ્દે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો. તો, આડેધડ દવાઓનું સેવન નહી કરવા ખાસ કરીને એન્ટી બાયોટીક દવાઓનું સેવન ગમે તેમ કે ડોકટરના સલાહ-માર્ગદર્શન વિના નહી કરવા સમજાવાયા હતા અને તેની ગંભીરતા સમજાવાઇ હતી. જેમાં ખાસ સંદેશો અપાયો હતો કે, ડોકટરના સલાહ માર્ગદર્શન વિના એન્ટિબાયોટીક્સ દવાઓનું આડેધડ સેવન જોખમી અને ગંભીર પરિણામો લાવનારું બની શકે છે, તેથી દર્દીઓ અને તેમના સગાઓએ આ બાબતે જાગૃતિ કેળવવી રહી.

             આ અંગે સોલા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ફાર્માસીસ્ટ અને ગુજરાત રાજય ફાર્માસીસ્ટ મંડળના સંગઠન મંત્રી ચિરાગ ટી.સોલંકીએ જણાવ્યું હતું કે, દર વર્ષે સમગ્ર વિશ્વમાં તા.૨૫મી સપ્ટેમ્બરને વર્લ્ડ ફાર્માસીસ્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ આજે વર્લ્ડ ફાર્માસીસ્ટ ડેની ઉજવણી દરમ્યાન દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓને દવાઓ વિશેની પૂરતી સમજ અને રોગચાળો ના ફેલાય તેની સાવચેતી, આડેધડ દવાઓનું સેવન નહી કરવા, દવાઓ લેતા પહેલા કે, ખાસ કરીને એન્ટિબાયોટીક દવાઓના સેવન માટે ડોકટરના સલાહ-માર્ગદર્શન લેવા સહિતના મુદ્દાઓ પર ખાસ જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યા હતા. વર્લ્ડ ફાર્માસીસ્ટ ડેની ઉજવણી દરમ્યાન આજે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે અધિક નિયામક ડો.એચ.કે.ભાવસાર, જી.એચ.ખાન આઇએએસ(હેલ્થ), ડો.સુખાનંદી(ડેપ્યુટી ડાયરેકટર), ડો. જાદવ ઇન્ચાર્જ ડીન, ડો.આર.એમ.જીતીયા (સીડીએમઓ,સોલા), ડો.ગોસ્વામી(આરએમઓ,સોલા), શ્રીમતી વિમલબહેન મેટ્ર્ન, વહીવટી સ્ટાફ, ટેકનીશીયન પેરામેડિકલ સ્ટાફ સહિતના લોકોએ હાજરી આપી હતી.

આજના પ્રસંગે દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓને ટીબી અવેરનેસ, ડેન્ગ્યુ તાવની જાણકારી, ડાયાબિટીસ, બિનજરૂરી એન્ટીબાયોટીક્સ, ચિકનગુનીયા, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવુ, એલોપેથી દવાઓનો વપરાશ કેવી રીતે કરવો તથા અન્ય રોગોની જાણકારી અને દવાઓના સેવન વિશે બહુ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યા હતા.

(9:50 pm IST)