Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

રાજ્યના આઠ મહાનગરોમાં 15 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ યથાવત :જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ દરમ્યાન આપેલી છૂટ અમલી રહેશે.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાત્રે 11થી સવારે 6 સુધી રાત્રીકરફ્યૂ લાગુ રહેશે

અમદાવાદ :  ગુજરાતમાં આઠ મહાનગરપાલિકામાં 15 સપ્ટેમ્બર સુધી રાત્રિ કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. જેમાં સરકારે 28 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી રાત્રે 11થી સવારે 6 સુધી રાત્રીકરફ્યૂ યથાવત રાખ્યો છે. તેમજ સમયમાં કોઇ છૂટ આપવામાં આવી નથી. જો કે જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ દરમ્યાન આપેલી છૂટ અમલી રહેશે.

ગુજરાતના આઠ મહાનગરો, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઠમાં 15 સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. જેમાં રાત્રે 11 વાગેથી સવારે છ વાગે સુધી કર્ફ્યૂ અમલી રહેશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યોજાનાર જન્માષ્ટમી અને ગણેશોત્સવના પર્વ નિમિત્તે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. સૌપ્રથમ જન્માષ્ટમીના પર્વની વાત કરીએ તો, 8 મહાનગરોમાં 30 ઓગસ્ટે એટલે કે જન્માષ્ટમીની રાત્રે નાઇટ કર્ફ્યૂમાં 2 કલાકની વધુ છૂટ અપાઇ છે.એટલે કે 8 મહાનગરોમાં રાત્રીના 11ના બદલે 1 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂમાં છૂટ અપાશે.

તો મંદિર પરિસરમાં એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શનની છૂટ અપાઇ છે. તો દર્શન કરતી વખતે દર્શનાર્થીઓએ SOPનું ફરજિયાત પાલન કરવું પડશે. સાથે જ મંદિર સંચાલકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે વ્યવસ્થા કરવી પડશે. તો જન્માષ્ટમીના પર્વે રાજ્યમાં લોકમેળા નહીં યોજી શકાય. તો મટકી ફોડના આયોજન પર પણ પ્રતિબંધ મુકાયો છે.

તો ગણેશોત્સવ માટે પણ રાજ્ય સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. ગણેશોત્સવની ગાઇડલાઇન પર નજર કરીએ તો, સાર્વજનિક ગણેશોત્સવમાં માત્ર 4 ફૂટની મૂર્તિનું જ સ્થાપન કરી શકાશે. અને ગણેશ ભક્તો પણ ઘરમાં 2 ફૂટની શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરી શકશે. ખાસ કરીને ગણેશ મંડળોએ પંડાલમાં દર્શન માટે SOP પાલન કરાવવું પડશે. અને પંડાલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આયોજકોએ વ્યવસ્થા કરવી પડશે.

સાર્વજનિક ગણેશોત્સવ સ્થળે પ્રસાદ વિતરણ અને પૂજા-આરતીની છૂટ અપાઇ છે. જોકે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ લગાવાયો છે. આ સિવાય ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોને એક વાહન સાથે છૂટ અપાઇ છે.

હાલ તો ગણેશોત્સવ અને જન્માષ્ટમીના પર્વને લઇને સરકારે આપેલી છુટછાટથી ઉત્સાહનો માહોલ છે. અને, આયોજકો સહિત લોકોએ પર્વની ઉજવણીને લઇને તૈયારીઓ આરંભી દીધી છે.

(7:22 pm IST)