Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કેવડિયા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે દ્વિ દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે : કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીના હસ્તે કોન્ફરન્સનું ઉદ્ઘાટન

તા. ૩૦ તથા ૩૧ ઓગસ્ટ-૨૦૨૧ દરમિયાન યોજાનારી કોન્ફરન્સમાં વિવિધ મિશન આધારિત વિચાર વિમર્શ કરાશે મહાનુભાવોના હસ્તે ઔષધિય વનસ્પતિઓનું વૃક્ષારોપણ કરાશે

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે આગામી તા. ૩૦ તથા ૩૧ ઓગસ્ટ-૨૦૨૧, બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે. 

આ કોન્ફરન્સમાં રાજ્યોના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ ભાગ લઈ વિવિધ મિશન આધારિત વિચાર-વિમર્શ કરશે. 

આ બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસ તા. ૩૦ ઓગસ્ટ-૨૦૨૧ના રોજ વિવિધ રાજ્યોના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીશ્રીઓ તથા સચિવશ્રીઓ વિશ્વની ૧૮૨ મીટર સૌથી ઊંચી લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. કોન્ફરન્સના બીજા દિવસ તા. ૩૧ ઓગસ્ટ-૨૦૨૧ના રોજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા આ પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ મિશન પોષણ ૨.૦, મિશન વાત્સલ્ય તથા મિશન શક્તિ જેવાં વિવિધ વિષય પર પ્રેઝન્ટેશન કરાશે. તદુપરાંત કેવડિયા ખાતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઔષધિય વનસ્પતિઓનું વૃક્ષારોપણ કરાશે.  

મહત્વપૂર્ણ છે કે, દર વર્ષે પોષણ અભિયાન હેઠળ દેશભરમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ને પોષણ અભિયાન માટે નોડલ મંત્રાલય નિયુક્ત કરવામાં આવ્યું છે જેમના દ્વારા સહભાગી મંત્રાલયો અને વિભાગો સાથે મળી, રાષ્ટ્રીય, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરે, જિલ્લા અને તદ્દન પાયાના સ્તરે આ ઉજવણી કરવામાં આવે છે. પોષણ માસની ઉજવણી કરવા પાછળ નાના બાળકો અને મહિલાઓમાં કુપોષણની સમસ્યાને દૂર કરવા માટે જન આંદોલનનું નિર્માણ કરવા માટે જન ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું છે જેથી દરેક વ્યક્તિ માટે આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત થઇ શકે.   

    અત્યંત તીવ્ર કુપોષિત (SAM) બાળકોની ઓળખ અને તેમના વ્યવસ્થાપન તેમજ પોષણ વાટિકાઓ એટલે કે પોષણ બાગનું વાવેતર વગેરે કાર્યક્રમો પર આ પોષણ માસ દરમિયાન ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમજ વહેલા સ્તનપાનનું મહત્વ, બાળકના જીવનના શરૂઆતના ૧,૦૦૦ દિવસમાં સારા પોષણની જરૂરિયાત, યુવાન મહિલાઓ અને બાળકોમાં એનેમિયા ઘટાડવા માટે યોગ્ય પગલાં વગેરે અંગે જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. 

(4:39 pm IST)