Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ખાલી બેઠકો પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા મંજૂરી

સામાજિક ન્યાય-અધિકારીતા વિભાગનાં અગ્ર સચિવની અધ્યક્ષતામાં નિર્ણય

અમદાવાદઃખાલી બેઠક પર પ્રવેશ મેળવતાં વિદ્યાર્થીઓને સરકારની પોસ્ટમેટ્રીકશિષ્યવૃત્તિ યોજનાની અન્ય તમામ શરતો ચકાસીને શિક્ષણ ફી સહિત શિષ્યવૃત્તિ આપવાનો રાજ્યનાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગે નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ 2018-19 તથા 2019-20 અંતર્ગત જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી લીધેલાં છે તેમને પણ આ શિષ્યવત્તિ ચુકવવાની રહેશે. આ નિર્ણય 22મી જુલાઇનાં રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્રારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભારત સરકારની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત અનુસૂચિ જાતિના વિદ્યાર્થીઓને નિયમાનુસાર શિષ્યવૃત્તિ ચુકવવામાં આવે છે. પરંતુ કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન મુજબ મેનેજમેન્ટ કવોટાસીટ તથા સ્પોર્ટસ એડમીશન સીટમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નહીં ચુકવવાનો નિર્ણય કરાયો હતો. જેથી 2018 – 19થી મેનેજમેન્ટ કવોટા તથા સ્પોર્ટસ કવોટા સીટમાં પ્રવેશ મેળવતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચુકવવાની બંધ કરવામાં આવી હતી.

 

રાજયમાં ઉક્ત મેનેજમેન્ટ કવોટા સીટ તથા સ્પોર્ટસ કવોટા સીટ ઉપરાંત ડિગ્રી એન્જીનીયરીંગ, ડિપ્લોમાં એન્જીનીયરીંગ, મેડિકલ, પેરા મેડિકલના અભ્યાસક્રમોમાં વેકેન્ટ સીટ કવોટામાં પણ એડમીશન આપવામાં આવે છે. જેથી વેકેન્ટ સીટ કવોટામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચુકવવી કે કેમ તે બાબત જિલ્લા કચેરીઓમાં પ્રશ્ન ઊભો થયો હતો. જેથી આ અંગે સામાજિક એકતા જાગૃતિ મિશન તરફથી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

જેને ધ્યાનમાં લઈને ઉક્ત અભ્યાસક્રમોની પ્રવેશ કમિટી સાથે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના અધિકારીઓ બેઠક યોજીને ચર્ચા કરી હતી. જેમાં થયેલી ચર્ચા મુજબ પ્રવેશ પ્રક્રિયાના અંતે જે બેઠકો ખાલી રહે તેને વેકેન્ટ સીટ જાહેર કરાય છે. આવી વેકેન્ટ સીટ પર જે તે કોલેજને એડમીનશ ઇન્ટર-સે મેરીટના આધારે તેમ જ સરકારની જે પધ્ધતિ નક્કી કરે તેને ધ્યાને લઇને જ આપવાનું હોય છે.

ડિગ્રી તેમજ ડિપ્લોમા એન્જીનીયરીંગ, પેરા મેડિકલ કોર્સમાં જે વિદ્યાર્થીઓ આવી બેઠક પર પ્રવેશ મેળવે છે તેની ખરાઇ પણ કમિટી દ્રારા કરવામાં આવે છે. ત્યાં સુધી કે આવી બેઠક પર જે સરકારે નિયત કરેલી ફી જ લેવામાં આવે છે. આ હકીકતોને ધ્યાનમાં લઇને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે ઉપરોક્ત નિર્ણય જાહેર કર્યો હતો.

(8:24 pm IST)