Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

મહેસાણા જિલ્લામાં મેઘમહેરથી સર્વત્ર પાણી-પાણી : કડીમાં પોણા ચાર ઇંચ તો મહેસાણામાં સવા બે ઇંચ વરસાદ પડયો

મહેસાણા, : મહેસાણા જિલ્લામાં બે-ત્રણ દિવસથી સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે શુક્રવારે મોડી સાંજે અચાનક જ પવન ફૂંકાયો હતો અને જોતજોતામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં થોડા કલાકોમાં જ કડી પંથકમાં પોણા ચાર ઈંચ, જ્યારે મહેસાણામાં સવા બે ઈંચ અને જોટાણામાં બે ઈંચ જેટલો વરસાદ વરસવા સાથે ખેરાલુ અને વિજાપુરમાં સામાન્ય વરસાદ જ્યારે અન્ય તમામ તાલુકામાં સારો વરસાદ પડતાં જિલ્લામાં એવરેજ ૩૫ મિમિ વરસાદ નોંધાયો હતો.

દિવસભરના ઉકળાટ બાદ શુક્રવારે મોડી સાંજે એકાએક ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. અચાનક ભારે વરસાદના કારણે મહેસાણા શહેરના વિવિધ માર્ગો પરનું પાણી ઓસરતાં પણ કલાકો લાગ્યા હતા. તો કડી શહેરના કરણનગર રોડ, નાનીકડી રોડ, દેત્રોજ રોડ, નંદાસણ રોડ, સુજાતપુરા રોડ જેવા વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રહીશો તેમજ વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. માત્ર ચાર કલાકમાં પોણા ચાર ઇંચ ખાબકેલા વરસાદે ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની મજાક બનાવી દીધી હતી. શહેરમાં નવિન તાલુકા પંચાયત ભવન પાસે બનેલા તેમજ થોળ રોડ ઉપર બનેલા અન્ડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. થોળ રોડ પરના અંડરપાસમાં દસ ફૂટ જેટલું પાણી ભરાતાં તેમાંથી પસાર થઈ રહેલી બે આઈશર ગાડી ફસાઈ ગઈ હતી.

જો કે, ચાલકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા હતા. જિલ્લામાં મહેસાણા સહિત કેટલાક પંથકમાં શનિવારે સાંજે પણ સારાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. સરકારી ચોપડે કડી તાલુકામાં ૯૨ મિમિ, મહેસાણામાં ૫૮, જોટાણામાં ૪૫, વડનગર અને વિસનગરમાં ૩૫, સતલાસણામાં ૩૪, ઊંઝામાં ૩૨, બહુચરાજીમાં ૧૫, વિજાપુરમાં ૫ અને ખેરાલુમાં ૨ મિમિ વરસાદ નોંધાયો હતો.

(2:28 pm IST)