Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ગાંધીનગર:અડાલજના કસ્તુરીનગર નજીક ટાઉનશીપમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.53 લાખની મતાની ઉઠાંતરી કરી

ગાંધીનગર:જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે અડાલજના કસ્તુરીનગર પાસે ઈફકો ટાઉનશીપમાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.પ૩ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. હરીયાણાથી પરત પહોંચેલા પરિવારને ગઈકાલે આ ચોરી સંદર્ભે જાણ થતાં અડાલજ પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવી હતી. જેના આધારે ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડવા દોડધામ શરૃ કરી હતી. 

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ગઈકાલે ભાટના બંગલોઝમાં ત્રાટકેલા તસ્કરો ૧૮ લાખની મત્તા ચોરી જવામાં સફળ રહયા હતા ત્યારે અડાલજ પંથકના શેરથામાં કસ્તુરીનગર પાસે ઈફકોની વસાહતમાં પણ ચોરીની ઘટના બનવા પામી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે ઈફકો કંપનીમાં ઈલેકટ્રીક મેનેજર તરીકે કામ કરતાં સુભાષચંદ્ર આત્મારામ ચંદર ઈફકો ટાઉનશીપમાં ડી-૧૭ નંબરના મકાનમાં રહે છે તેમનો પુત્ર હરીયાણા ગુડગાંવમાં રહેતો હોવાથી ગત તા.૧ર જુનના રોજ મકાન બંધ કરીને તેઓ ગુડગાંવ ગયા હતા. દરમ્યાનમાં ગઈકાલે તેઓ ઈફકો સ્થિત તેમના ઘરે પરત ફરતાં મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલો હતો અને મકાનમાં તપાસ કરતાં માલસામાન વેરણછેરણ હાલતમાં હતો. પેટી પલંગમાં રહેલા સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.પ૩ લાખની મત્તા ચોરાઈ હોવાનું જણાયું હતું. જેથી આ મામલે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી હતી. 

(4:59 pm IST)