Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સરકારને પણ મોંઘવારી નડીઃ ગયા વર્ષે ૧૦૧ રૂપિયે લીટર ખરીદેલ કપાસિયા તેલનો ભાવ આ વર્ષે ૧૫૫

૭II લાખ રેશનકાર્ડ ધારકોને જન્માષ્ટમી અને દિવાળી ટાણે વિતરણ

રાજકોટ, તા. ૨૬ :. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે જન્માષ્ટમી અને દિવાળી વખતે ગરીબ રેશનકાર્ડ ધારકોને એક-એક લીટર કપાસિયા તેલના પાઉચનું રાહત દરે વિતરણ થનાર છે. પુરવઠા નિગમ દ્વારા તેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળનું કાર્ડ ધરાવતા ૭૧ લાખની વધુ રેશનકાર્ડ ધારક પરિવારોને જેનો લાભ મળવાપાત્ર થશે. વિતરણનો રાહત ભાવ હવે પછી નક્કી થશે. નિગમ દ્વારા પૂર્વ તૈયારી થઈ રહી છે. કુલ ૨૦૦ કરોડથી વધુ રકમનું તેલ ખરીદવાનું છે.

સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ સરકારને ખાનગી કંપનીઓ પાસેથી ગયા વખતે રૂ. ૧૦૧ના લીટર લેખે કપાસિયા તેલ મળેલ. આ વખતે તેલનો ભાવ વધતા ટેન્ડરમાં ભાવ ઉંચા આવ્યા છે. હાલ સૌથી નીચે ૧૫૫ આસપાસ લીટરનો ભાવ આવ્યો છે. ગોડાઉનથી દુકાન સુધીના પરિવહન અને સસ્તા અનાજના દુકાનદારના કમિશન સહિત ૧૬૫ રૂપિયે લીટર આસપાસ પડતર કિંમત થાય તેવા સંજોગો છે.

સરકાર ગયા વખતે પડતર ભાવમાં ૫૦ ટકા સબસીડી આપીને રૂ. ૫૦ આસપાસ કાર્ડધારકોને વિતરણ કરેલ. આ વખતે તેટલા નીચા ભાવ આપી શકાય તેમ નથી. સરકારને મોંઘા ભાવે તેલ મળશે તેની અસર વિતરણના ભાવ પર આવશે. વિતરણ કિંમત ટૂંક સમયમાં નક્કી થશે.

(3:26 pm IST)