Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ધો. ૧૦નું પરિણામ તૈયાર કરવાની કામગીરી પૂર્ણતાના આરે : ટુંક સમયમાં જાહેર થશે

શાળાઓએ ગુણ મોકલવામાં વિલંબ કરતા પરિણામ મોડું આવ્યું : પરિણામ અંગે સત્તાવાર જાહેરાત બાકી : ધો. ૧૨ સાયન્સનું પરિણામ પણ જુલાઇના પ્રથમ અઠવાડિયે આવશે

રાજકોટ તા. ૨૬ : કોરોના મહામારીને પગલે આ વર્ષે ધો. ૧૦-૧૨માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. શાળાઓએ શિક્ષણ બોર્ડમાં ગુણ મોકલાવ્યા બાદ હવે પરિણામની તૈયારી ઝડપભેર ચાલી રહી છે. ધો. ૧૦નું પરિણામ ટુંક સમયમાં અને ધો. ૧૨ સાયન્સનું પરિણામ જુલાઇ માસના પ્રથમ અઠવાડિયામાં જાહેર થવાની શકયતા છે. હજુ સુધી શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર યાદી જાહેર થઇ નથી.

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ના પરિણામ તૈયાર કરવાની કામગીરી હવે પૂર્ણતાના આરે છે ત્યારે ટૂંક સમયમાં જ બોર્ડ પરિણામ જાહેર કરશે તેવી શકયતા છે. સંભવત સોમવાર સુધીમાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની તૈયારી કરવામાં આવી છે. બોર્ડે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગુણ મોકલવામાં થયેલા વિલંબ થતા ગુણની ચકાસણીની કામગીરીમાં સમય લાગ્યો હોવાથી હવે બે-ત્રણ દિવસમાં જ પરિણામ જાહેર કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા રદ્દ કરી તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ સમિતિ દ્વારા ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓના પરિણામ અંગે માર્ગદર્શિકા તૈયાર કરાઈ હતી. જેમાં ધોરણ ૯ અને ૧૦ની પરીક્ષાના આધારે પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામમાં કોઈ વિદ્યાર્થી પાસ થવાના ૩૩ ગુણ મેળવી શકતો ન હોય તો તેને ખૂટતા ગુણ આપીને પાસ કરવાનું નક્કી કરાયું હતું. બોર્ડે સ્કૂલોને પરિપત્ર મોકલીને ૧૭ જૂન સુધીમાં વિદ્યાર્થીઓના ગુણ બોર્ડને ઓનલાઈન મોકલી આપવા જણાવ્યું હતું. મુદત પૂરી થયા પછી પણ કેટલીક શાળાના વિદ્યાર્થીઓના ગુણ બોર્ડને મળ્યા ન હોવાથી તાકીદે મોકલવાની સૂચના અપાઈ હતી. જે બાદ સ્કૂલોએ બોર્ડને ગુણ મોકલ્યા હતા. આમ, ગુણ મોડા મળ્યા હોવાને લીધે ચકાસણી શરૂ થવામાં વિલંબ થયો હતો.

ધો. ૧૨ સાયન્સનું પરિણામ વહેલુ જાહેર કરવા શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. ધો. ૧૨ સાયન્સમાં ૧ લાખ ૧૦ હજાર છાત્રો હોવાથી ઝડપી કામગીરી થઇ જશે.

(12:55 pm IST)