Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

સુરતઃ કોન્સ્ટેબલે હુમલો કરતાં મહિલા બેંકકર્મીને પીઠના નીચેનાં ભાગમાં થયું હેરલાઈન ફ્રેકચર

તેને ૧૦ દિવસનો આરામ અને દવા લેવાની સલાહ આપવામાં આવી છે

સુરત, તા.૨૬: કેનેરા બેંકની ૩૧ વર્ષીય કેશિયર કે જેના પર એક પોલીસ કોન્સ્ટેબલે હુમલો કર્યો હતો તેને ગુરુવારે પીઠના નીચેના ભાગમાં અસહ્ય દુઃખાવો ઉપડતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સસ્પેન્ડ કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામ શ્યોરાએ (આહિર) અચાનક જ પીડિતા સંતોષ કુમારી પુરોહિતને બેંકમાં થપ્પડ મારીને નીચે પાડી દેતા તેને પીઠના ભાગમાં હેરલાઈન ફ્રેકચર થયું છે. આ ઘટના ૨૨મી જૂને બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

'મારી પત્નીને અસહ્ય દુઃખાવો થઈ રહ્યો છે. હું તેને સારવાર અને મેડિકલ એકઝામિનેશન માટે હોસ્પિટલ લઈને આવ્યો છું', તેમ તેના પતિ જયંતીલાલે કહ્યું.

'ડોકટરે CT સ્કેન કરવાની સલાહ આપી હતી અને હવે રિપોર્ટ આવ્યા બાદ અમને તેની સ્થિતિની જાણ થશે', તેમ તેમણે ઉમેર્યું.

રાજય સરકાર દ્વારા સંચાલિત ન્યૂ સિવિલ હોસ્પિટલના ડોકટરોનું કહેવું હતું કે, તે ઠીક છે. પરંતુ જયારે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાય ત્યારે તપાસ કરતાં જાણ થઈ કે, હેરલાઈન ફ્રેકચર થયું છે. તેને ૧૦ દિવસનો આરામ અને દવા લેવાની સલાહ આપવામાં આવી છે.

'મારી પત્નીની સ્થિતિ માટે પુણા પોલીસ સ્ટેશન જવાબદાર છે. બપોર પછી ૪.૩૦ કલાકે બનેલી ઘટનાની ફરિયાદ તેમણે રાત્ર ૧૧.૩૦ કલાક સુધી નોંધી નહીં. દુઃખાવો થઈ રહ્યો હોવા છતાં તે રાહ જોઈને બેસી રહી', તેમ જયંતીલાલે કહ્યું.

પુરોહિતના સહકર્મી હર્ષદ તિવારીની સાથે પોતાના કાકાની પાસબુકમાં એન્ટ્રી કરવા બાબતે શ્યોરાએ દલીલ કરી હતી. આ અંગેનો પુરોહિત વીડિયો જયારે બનાવી રહી હતી ત્યારે તે પ્રતિબંધિત ભાગમાં ઘૂસી આવ્યો હતો અને તેને થપ્પડ મારી હતી.

જયંતીલાલે તેવો પણ આરોપ લગાવ્યો હતો કે, પોલીસે તેમની પત્ની દ્વારા આપેલી વિગતો મુજબ સોમવારે ફરિયાદ નોંધી નહોતી. 'બુધવારે નોંધવામાં આવેલી નવી ફરિયાદ પણ સચોટ નથી. પોલીસે માત્ર તેવી કલમો ઉમેરી છે જેમાં કોન્સ્ટેબલને તરત જ જામીન મળી રહેશે'.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હચમચી ગયા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, 'મે પોલીસ કમિશનર સાથે વાત કરી છે. અને તેમણે જણાવ્યું છે કે તેઓ પોતે બ્રાંચની મુલાકાત લેશે અને સ્ટાફને પૂરતી સુરક્ષા મળી રહે તેની ખાતરી કરશે'.

(11:29 am IST)