Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

૧૫ લાખની લાંચના, નાયબ નિયામકે ફરીયાદીને હપ્તા કરી આપેલ ૧ લાખની લાંચ પ્રકરણમાં એસીબી તપાસમાં રસપ્રદ હકિકતો ખુલ્લી

એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં ગાંધીનગર એસીબીએ વધુ એક મોટામાથાની વિકેટ પાડી દીધી

રાજકોટ, તા. ૨૬ :. ગુજરાતના લાંચરૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા માત્ર નાના નાના કર્મચારીઓને જ નહિ, વિવિધ ઉચ્ચ સ્થાનો પર બેસી લાખો-કરોડો રૂપિયા કટકટાવતા ઉચ્ચ અધિકારીઓ સામે પણ આકરી ઝુંબેશ ચલાવનાર રાજ્યના એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં ગાંધીનગરના એસીબી એકમને વધુ એક સફળતા સાંપડી છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગના નાયબ નિયામક મહેન્દ્રભાઈ કરશનભાઈ ચૌધરી રૂ. ૧ લાખની લાંચ લેતા એસીબી છટકામાં આબાદ ઝડપાઈ ગયા છે.

એસીબી સૂત્રોમાથી સાંપડતા નિર્દેશ મુજબ એક જાગૃત નાગરીક દ્વારા એસીબી ગાંધીનગર એકમનો સંપર્ક સાધી પોતાનો ફીશરીઝનો કુલ લીઝ કોન્ટ્રાકટ પાંચ - પાંચ વર્ષ માટે અપાવવા ૭ લાખ રૂ. આરોપીએ લીધા હતા. ત્યારબાદ સદરહુ કોન્ટ્રાકટ ચાલુ રાખવા માટે ૧૫ લાખની વધારાની માંગણી કરેલ. ફરીયાદીની વિનંતી આધારે ૧૫ લાખના હપ્તા કરી આપવાનું આરોપીએ સ્વીકારેલ.

ગાંધીનગર એકમના અધિક નાયબ નિયામક જયદીપસિંહ જાડેજાના સુપરવિઝનમાં અને એસીબી વડા કેશવકુમારના સીધા માર્ગદર્શનમાં ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ કે.આર. ડાભીએ આરોપીને સરગાસણ ચોકડી, વિજયા બેન્ક નજીક ગાંધીનગર ખાતેથી ૧ લાખની લાંચના છટકામાં ઝડપાવી દેતા વધુ એક મોટુ માથુ ઝપટે ચઢતા સરકારી-અર્ધ સરકારી સંસ્થાના  મોટામાથાઓમાં  ભયનું લખલખુ પેસી ગયુ છે.

(4:54 pm IST)