Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

એસીબી પીઆઈ લવકુમાર ડાભીને રાતોરાત ભરૂચથી બદલાયાઃ હજુ અડધો ડઝન પોલીસ અધિકારીઓની સંડોવણીની આશંકા

સુરતના કરોડોના ક્રિપ્ટો કરન્સી કૌભાંડનો હજારો લોકો ભોગ બન્યાનું ખુલતા ખળભળાટ

રાજકોટ, તા. ૨૬ :. કરોડો રૂપિયાના બીટ કોઈન્સ કૌભાંડના પગલે સુરતમાં નોટબંધી બાદ ક્રિપ્ટો કરન્સીમાં પણ થયેલ કરોડોના રોકાણમાં કેટલાક કૌભાંડકારોએ બોગસ કંપની ઉભી કરી કરોડોની છેતરપીંડી કરવાના મામલે એક પોલીસ ઈન્સ્પેકટર સહિત ૬ સામે થયેલી ફરીયાદમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ૩ શખ્સોની ધરપકડ કરવા સાથે લેપટોપ સહિતનુ સાહિત્ય કબ્જે કર્યાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સુરતના નજીકના સરથાણાના લસકાણા ગામના મૂળ સૌરાષ્ટ્રના મહુવાના ચેતનભાઈ ગાંગાણી, રાકેશ પટેલ, જેમીસ ઈટાળીયા અને હીરેન માંગુકીયા વિગેરેને લોભામણી લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાના આરોપસર જેમની ધરપકડ કરવામાં આવી છે. તેમા રોહીત, અલ્તાફ વિગેરેનો સમાવેશ હોવાનું જાણવા મળે છે. બીનસત્તાવાર રીતે ચર્ચાતી વાતો મુજબ આ કૌભાંડનો ભોગ ૩૦૦૦થી વધુ લોકો બન્યાનું અને કરોડો રૂપિયા ગુમાવ્યાનું બહાર આવેલ છે.

દરમિયાન આ મામલામાં તત્કાલીન પોલીસ ઈન્સ્પેકટર કામરેજ (સુરત) અને હાલ ભરૂચ એસીબીમાં ફરજ બજાવતા લવકુમાર ડાભી સામે ગુન્હો દાખલ થતા જ એસીબી વડા કેશવકુમારે તેઓની તાકીદે બદલી કરી અમદાવાદ એસીબી હેડ કવાર્ટરમાં કલેરીકલ જેવી કામગીરીમાં મુકી દીધા હોવાનું સૂત્રો જણાવે છે. સૂત્રોના કથન મુજબ એસીબી વડા દ્વારા રાજ્યના પોલીસ વડાને પત્ર પાઠવી લવકુમાર ડાભીને તાત્કાલીક એસીબીમાંથી હટાવવા રજૂઆત કરવા સાથે ખાતાકીય તપાસનો પણ પ્રારંભ થનાર છે.

હાલતૂર્ત ૧૪ કરોડની છેતરપીંડીના આ મામલામાં રોકાણકારોને બેંગકોકની નાઈટ લાઈફ તથા મોંઘીદાટ મર્સીડીસ સહિતની કારો ભેટમાં આપવાની લાલચનો ઘણા ભોગ બન્યા છે. એક ચોંકાવનારી હકીકત એ બહાર આવી છે કે અડધો ડઝન જેટલા પોલીસ અધિકારીઓની પણ ભૂમિકા હોવાની શંકા સેવાવા સાથે પોલીસ તંત્રમાં નામજોગ ચર્ચાઓ શરૂ થઈ છે.

(4:07 pm IST)