Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

વધુ ફી નહિ લેવાની બાંહેધરી ન આપનારી ૪પ૩ કોલેજોને નોટીસ ફટકારતી ફી કમીટી

ઇજનેરી, ફાર્મસી, આર્કિટેકચર, ઇન્ટીરીયર ડીઝાઇન, એમબીએ-એમસીએ, હોટલ મેનેજમેન્ટ સહિતની કોલેજોને ૧૬ જુલાઇ સુધીમાં ખુલાસાની તક છતાં યોગ્ય પ્રત્યુત્તર નહી તો આકરા પગલાઃ કમલેશ જોશીપુરા

રાજકોટ, તા., ૨૬: નિર્ધારીત થયેલી અને મંજુર થયેલી ટયુશન ફી  સિવાય વધારાની કોઇ ફી લેવામાં નહી આવે તેવા મતલબની બાંહેધરી હજી સુધી ન આપેલ હોય તેવી ૪પ૩ જેટલી કોલેજોને ફી રેગ્યુલેટરી કમીટીએ શો-કોઝ  નોટીસ આપી છે અને ૧૬ મી જુલાઇ સુધીમાં જવાબ રજુ કરવા આદેશ આપેલો છે. ખાસ કરીને ઇજનેરી, ફાર્મસી, આર્કિટેકચર, ઇન્ટીરીયર ડીઝાઇન, એમબીએ, એમસીએ, હોટલ મેનેજમેન્ટ, બીપ્લાન, એમ પ્લાન સહીત વિવિધ પ્રકારના ૧૪ જેટલા અભ્યાસક્રમોનું શિક્ષણ આપતી ૬૧૩ જેટલી કોલેજો આવેલી છે. એફઆરસીના ધ્યાનમાં આવ્યા મુજબ કોસનમની, ડીપોઝીટ સહીતના અલગ અલગ મથાળા હેઠળ ફી ઉઘરાવતી કોલેજો આવી કોઇ પણ પ્રકારની ફી ન લે તેવી બાંહેધરી માંગવામાં આવેલ હતી અને ૪પ૩ કોલેજોને આવા કારણસર શો-કોઝ નોટીસ આપવામાં આવી છે.

દરમ્યાનમાં ફી રેગ્યુલેરેટરી કમીટીના સભ્ય અને વરિષ્ઠ પુર્વ કુલપતિ ડો.કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે, ટયુશન ફી સિવાયની ડીપોઝીટ અને કોસનમનીના નામે વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી ઉઘરાવી શકાતી નથી અને આવી ફી ઉઘરાવવાની ફરીયાદોના આધારે ફી રેગ્યુલેરેટરી કમીટીએ સઘન કાર્યવાહી હાથ ધરી છે. ડો.કમલેશ જોશીપુરાએ જણાવ્યું છે કે ૧૬ જુલાઇ સુધીમાં જવાબ તેમજ રૂબરૂ સાંભળવાની તક પણ આપવામાં આવેલી છે અને આ તારીખ પહેલા ખુલાસો નહી કરવામાં આવે તો એફઆરસી કડક પગલા લેશે. કેટલીક સંસ્થાઓ આ મતલબની અન્ડરટેકીંગ આપેેલું હતું. જેને કમિટીએ માન્ય રાખેલ નથી.

વિદ્યાર્થીઓ ઘણીવાર આવી ફરીયાદ ટાળતા હોય છે પરંતુ વાલીઓને વિદ્યાર્થીઓમાં વ્યાપક જાગૃતિ આવેલી છે.

અમદાવાદ જીલ્લામાં ૬૪, ગાંધીનગરમાં ૩ર, વડોદરા જીલ્લામાં ૪પ, સુરતમાં ૩૯ અને ૪૭ સંસ્થાઓ સૌરાષ્ટ્રની સહિતની સંસ્થાઓ છે. વધારાની ફ્રી પ૦૦૦ થી લઇ અને અનેક ગણી મોટી રકમમાં લેવામાં આવતી હોય છે.

નવાા શૈક્ષણિક સત્રોનો પ્રારંભ થયો છે ત્યારે આજ સમયે વધારાની ફ્રી ઉઘરાવાતી હોય છે ત્યારે સમયસર ફ્રી નિયમન સમિતિએ આ કાર્યવાહી હાથ ધરી છે અને જે તે સંસ્થાઓ આમાં ભુલ કરશે તો કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ફી રેગ્યુલેરેટરી કમિટીના ચેરમેન પદે જસ્ટીસ અક્ષય મહેતા છે, સભ્યોમાં ડો. કમલેશ જોશીપુરા, ડો. જૈનીક વકીલ, ભુપેન્દ્રભા શાહ તેમજ મેમ્બર સેક્રેટરી તરીકે ટેકનીકલ એજયુકેશન ડાયરેકટ શ્રી નીરાલા છે. ઓ.એસ. ડી. તરીકે પ્રોફેસર એમ. એચ. લોહીયા છે.

તા. ૧૬ જુલાઇ સુધીમાં કમિટી સમક્ષ રજૂઆત કે ખુલ્લાસાની તક આપવામાં આવેલી છે તે પછી થી કાયદાની જોગવાઇ મુજબ તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવશે તેમ ડો. કમલેશ જોશીપુરાએ ઉમેર્યુ છે.

(3:50 pm IST)