Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

અમદાવાદની ૮ સહિત ગુજરાતની ૧૫૭ સ્‍કૂલોનું રિઝલ્‍ટ ઝીરો આવ્‍યું

ગુજરાતમાં ૧૦૮૪ સ્‍કૂલોનું ૩૦ ટકા કરતાં ઓછું પરિણામ આવ્‍યું

અમદાવાદ,તા. ૨૬ : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૩માં લેવાયેલી ૧૦મા ધોરણની પરીક્ષાનું પરિણામ ૬૪.૬૨ ટકા જાહેર થયું છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૦.૫૬ ટકા ઓછું છે. ગુજરાતમાં ૨૭૨ સ્‍કૂલોનું ૧૦૦ ટકા રિઝલ્‍ટ આવ્‍યું છે, પરંતુ અમદાવાદની ૮ સહિત ગુજરાતની ૧૫૭ સ્‍કૂલોનું પરિણામ ઝીરો ટકા આવ્‍યું છે એટલે કે ગુજરાતની ૧૫૭ સ્‍કૂલોના વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા છે, એક પણ પરીક્ષાર્થી પાસ થયો નથી.

ગઈ કાલે જાહેર થયેલાં ૧૦મા ધોરણનાં રિઝલ્‍ટમાં અમદાવાદ શહેરની ૮ અને અમદાવાદ ગ્રામ્‍યની ૩ સ્‍કૂલોનું પરિણામ શૂન્‍ય ટકા આવ્‍યું છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાની ૪, જામનગરની ૫, જૂનાગઢની ૯, કચ્‍છની ૮, સુરત જિલ્લાની ૬ અને વડોદરા જિલ્લાની ૧ સહિત ગુજરાતની ૧૫૭ સ્‍કૂલનું રિઝલ્‍ટ શૂન્‍ય આવ્‍યું છે. એટલું જ નહીં, ગુજરાતમાં ૧૦૮૪ સ્‍કૂલોનું ૩૦ ટકા કરતાં ઓછું પરિણામ આવ્‍યું છે.

બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્‍દ્રનું સૌથી વધુ ૯૫.૯૨ ટકા અને નર્મદા જિલ્લાની ઉતાવળી કેન્‍દ્રનું સૌથી ઓછું ૧૧.૯૪ ટકા રિઝલ્‍ટ આવ્‍યું છે. ગુજરાતી માધ્‍યમ કરતાં અંગ્રેજી માધ્‍યમનું પરિણામ વધુ આવ્‍યું છે. ગુજરાતી માધ્‍યમનું ૬૨.૧૧ ટકા અને અંગ્રેજી માધ્‍યમનું ૮૧.૯૦ ટકા પરિણામ આવ્‍યુ છે. મરાઠી માધ્‍યમનું ૭૦.૯૫ ટકા પરિણામ આવ્‍યુ છે.

(4:01 pm IST)