Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

સિવિલમાં ડોકટરોની હડતાળ બીજા દિવસે યથાવત રીતે જારી

ડોકટરો પર હુમલાની ઘટના કેમેરામાં આવી નહીં : ડોકટરોની હડતાળ પોલીસ-સત્તાવાળાઓ પર દબાણનો પ્રયાસ હોવાની ચર્ચા : દર્દીઓ અને સંબંધીઓ મુશ્કેલીમાં

અમદાવાદ,તા. ૨૬ : અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે ડોકટર પર થયેલા હુમલાને લઇ જુનિયર રેસિડેન્ટ ડોકટરોની હડતાળ આજે સતત બીજા દિવસે પણ યથાવત રહી છે. આજે સવારે જુનિયર ડોકટરોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો અને હુમલાની નિંદા કરી તેને વખોડી કાઢવામાં આવ્યો હતો. બીજીબાજુ, જુનીયર ડોકટરોએ ગઇકાલે સિવિલના ટ્રોમા સેન્ટરના ર્પાકિંગમાં જુનિયર ડોકટર પર થયેલા હુમલા મામલે ડોકટર ફરિયાદ કરવા આવ્યા ન હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહી, શાહીબાગ પોલીસે સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં આવી કોઇ ઘટના બની ન હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતાં હવે આ સમગ્ર પ્રકરણને લઇ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. તો, બીજીબાજુ, ડોકટરોની બે દિવસથી હડતાળને લઇ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓની હાલત કફોડી બની છે. બે દિવસ અગાઉ સારવાર માટે આવેલા દર્દીનાં સગાંએ સિવિલમાં ઓપરેશન થિયેટરમાં ડોકટરો સાથે મારામારી કરી હતી. ડોકટર પર થયેલા હુુમલાના પગલે રેસિડેન્ટ ડોકટરો આરોપીઓની ધરપકડની અને આવા બનાવોને રોકવાની માગ સાથે હડતાળ પર ઊતરી ગયા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને હોસ્પિટલ તંત્રની સમજાવટ બાદ ડોકટરોએ હડતાળ સમેટી લીધી હતી. હુમલાની ઘટનામાં શાહીબાગ પોલીસે બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી હતી. આ ઘટના બાદ ગઇકાલે સવારે સિવિલના ટ્રોમા સેન્ટરના પાર્કિંગમાં જુનિયર ડોકટર પર હેલ્મેટ પહેરીને આવેલા બે અજાણ્યા શખ્સો હુમલો કરીને ફરાર થઇ ગયા હોવાની વાત સામે આવી હતી. જે મામલેે શાહીબાગ પોલીસને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બીજી તરફ જુનિયર ડોકટરોને આ મામલે જાણ થતાં તેઓ ફરીથી હડતાળ પર ઊતરી ગયા હતા. મામલાની ગંભીરતાને લઇ પોલીસે ડોકટરની ફરિયાદ લેવા ડોકટરનો સંપર્ક કર્યો, પણ તેઓ મળ્યા નહીં. ગઇકાલની હુમલાની ઘટનામાં હજુ સુધી જે ડોકટર હુમલો કરવામાં આવ્યો છે તે ડોકટરે ફરિયાદ નોંધાવી નથી અને જુનિયર ડોકટરો હુમલાખોરોને પકડવાની માગ સાથે હડતાળ પર ઊતરી રેલી કાઢી વિરોધ નોંધાવી રહ્યા છે. પોલીસ તપાસમાં સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવતાં હજુ સુધી હુમલો થયો હોય તેવું બહાર આવ્યું નથી તેમજ ડોકટર પણ હુમલા અંગેની ફરિયાદ નોંધાવવા આવ્યા નથી, તેથી ખરેખર ડોકટર પર હુમલો થયો છે કે કેમ? તેના પર સવાલ ઊભા થઇ રહ્યા છે. જુનિયર ડોકટરો હડતાળ પર ઊતરી જતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બીજી તરફ ગઇકાલના હુમલાને લઇને જુનિયર ડોકટરો હડતાળ પર ઊતરી હોસ્પિટલ સત્તાધીશો અને પોલીસ તંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાતુ હોઇ હવે પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(7:32 pm IST)
  • પાટીદાર પંચાયતમાં વિવાદ : દિનેશ બાંભણીયાએ હાર્દિકને લખ્યો પત્ર : હાર્દિકે ફકત પબ્લીસીટી મેળવવા રાજકીય પાર્ટીઓને પત્ર લખ્યાનો આક્ષેપ : ધાર્મિક સંસ્થા અને શહીદ પરિવારને આમંત્રણ નહિં અપાતા પાટીદાર પંચાયતમાં થયો વિવાદ : પંચાયતમાં નહિં જવાનો નિર્ણય જાહેર કરતા બાંભણીયા access_time 7:09 pm IST

  • અમરેલી જિલ્લાના ઢાઢાનેશ વિસ્તારમાં વન કર્મચારી ઉપર સિંહનો હુમલોઃ ચાંચઇપાણીયા રેન્જ વિસ્તારમાં બિમાર સિંહની તપાસ કરવા જતાં સિંહ હુમલો કરીને નાસી છુટ્યોઃ ઇજાગ્રસ્ત વન કર્મચારી સારવારમાં access_time 2:32 pm IST

  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST