Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

જીએમડીસી ગ્રાઉન્ડમાં જાહેરસભા પહેલા પોલીસે પાટીદારોનાં ઘરોનું લીસ્ટ બનાવ્યુ હતુઃ ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ

અમદાવાદ, તા.૨૬: PAASના નેતા ગોપાલ ઈટાલિયાએ શુક્રવારના રોજ જસ્ટિસ કે.એ.પુજ કમિશન સમક્ષ એફિવડેવિટ ફાઈલ કર્યું છે. ગોપાલ ઈટાલિયાએ આરોપ મુકયો છે કે, ઓગસ્ટ ૨૦૧પમાં GMDC ગ્રાઉન્ડમાં થયેલી જાહેરસભા પહેલા પોલીસે પાટીદારોના ઘરોનું લિસ્ટ બનાવ્યુ હતું.

ગોપાલ ઈટાલિયાએ આરોપ મુકયો છે કે, ૨૫મી ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ હાર્દિક પટેલે જયારે મહારેલીને સંબોધી હતી ત્યારે પાટીદાર સમાજના પોલીસકર્મીઓને તૈનાત નહોતા કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે ગોપાલ ઈટાલિયા તે જ વ્યકિત છે જેમણે પાછલા વર્ષે પ્રદિપસિંહ જાડેજા પર જૂતું ફેંકયુ હતું. ઓગસ્ટ ૨૦૧૫ દરમિયાન ઈટાલિયા માધુપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.

એફિડેવિટ અનુસાર, નિર્દોષ પાટીદારો પર કરવામાં આવેલા અત્યાચારનો હું સાક્ષી છું, ઘણાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. અમદાવાદ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનમાં હું પોલીસ તરીકે ફરજ બજાવતો હતો અને તે સમયે રેલીને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. પરંતુ મને રેલીના સ્થળ પર ડ્યુટી સોંપવામાં નહોતી આવી. મને પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યો હતો. આ બાબતની ખાસ તપાસ કરવામાં આવે કે પાટીદાર પોલીસકર્મીઓને કેમ ત્યાં તૈનાત કરવામાં નહોતા આવ્યા? શું આ કોઈ રાજકીય ષડયંત્ર હતું?

ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, પોલીસ ઈન્સ્પેકટર એમ.બી.ખિલેરીએ પોતાના સબ-ઓર્ડિનેટ્સને પટેલ સમાજના દ્યરોની યાદી બનાવવાનું કહ્યું હતું. OBC કવોટા માટે લડી રહેલા પાટીદારો પર અત્યાચાર કરવાનું તેમનું તે ષડયંત્ર હતું. મને પણ વોટર્સ લિસ્ટ પરથી પાટીદારોની યાદી બનાવવાનું કામ સોંપવામાં આવ્યુ હતું. (૨૩.૭)

(11:59 am IST)