Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

હવે ગુજરાતમાં ભાજપની નિષ્ફળતાઓ ગણવા માટે કોંગ્રેસ દ્વારા જારી કરાશે ‘ચાર્જશીટ’ : તૈયારીઓ શરૂ

ભાજપ સરકાર સામે વિધાનસભા મુજબ અને જિલ્લાવાર ચાર્જશીટ જારી કરશે

અમદાવાદ :ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે પાર્ટી રાજ્યમાં ભાજપની નિષ્ફળતાઓ ગણવા માટે ‘ચાર્જશીટ’ જારી કરવા જઈ રહી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ સોમવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે પાર્ટી આ ચાર્જશીટ જિલ્લાવાર અને મતવિસ્તારમાં જારી કરશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે અને હાલ રાજ્યમાં ભાજપની સરકાર છે.

રાજકોટમાં પત્રકારો સાથે વાત કરતા શર્માએ જણાવ્યું હતું કે, “અમે સ્થાનિક મુશ્કેલીઓને ઓળખી રહ્યા છીએ. અમે ભાજપ સરકાર સામે વિધાનસભા મુજબ અને જિલ્લાવાર ચાર્જશીટ જારી કરીશું. અમારા ચૂંટણી ઢંઢેરાના માધ્યમથી અમે ગુજરાતની જનતાને ખાતરી આપીશું. કે જો કોંગ્રેસની સરકાર આવશે, તો અમે તે સમસ્યાઓનો કેવી રીતે સામનો કરીશું

અત્રે ઉલ્લેખનીય છે કે  કે, શર્મા જિલ્લા કક્ષાની ચિંતન શિબિરમાં હાજરી આપવા રાજકોટ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં AICC સેક્રેટરી રામકિશન ઓઝા પણ હાજર હતા. ઓઝા પણ ગુજરાતના પ્રભારી છે. ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો અને પક્ષના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

(9:47 pm IST)