Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ટ્વીટ બાદ હાર્દિક પટેલ સાથે જગદીશ ઠાકોરેકરી ફોન વાત : કહ્યું - પ્રશ્નોનો નિવેડો લવાશે

હાર્દિક પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસના નેતાઓ પર સીધા પ્રહાર કરતાં જણાવ્યું છે કે, કેટલાક નેતાઓ ઈચ્છે છે હાર્દિક કોંગ્રેસ છોડી દે

અમદાવાદ :કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે. ત્યારે આજે હાર્દિક પટેલ ફરી એક વખત નામ લીધા વગર કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યા છે. હાર્દિક પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ હોવાનું અનેક વખત જણાવી ચૂક્યા છે. ત્યારે હવે આજે હાર્દિકે કરેલા ટ્વિટ અંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

જગદીશ ઠાકોરે કહ્યું કે, ટ્વિટ બાદ હાર્દિક પટેલ સાથે ફોન પર વાત થઈ છે. ટ્વિટ કરવાથી પાર્ટીને નુકસાન થાય છે. હાર્દિકના પ્રશ્નો અંગે અમારી વાત ચાલી રહી છે. જે કંઈ પક્ષીય પ્રશ્નો હશે એનો નિવેડો લાવવામાં આવશે. એમના પિતાની પુણ્યતિથી બાદ એમના સાથે મુલાકાત કરી વાત કરીશું.

હાર્દિક પટેલે ટ્વિટર પર ટ્વિટ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસના નેતાઓ પર સીધા પ્રહાર કરતાં જણાવ્યું છે કે, કેટલાક નેતાઓ ઈચ્છે છે હાર્દિક કોંગ્રેસ છોડી દે, આ ટ્વિટમાં હાર્દિકે કેટલાક નેતાઓ તેનું મનોબળ તોડવા માંગતા હોવાનું પણ કહ્યું છે. જો કે, હાર્દિકે કોંગ્રેસમાં જ રહેવાની ઈચ્છા વ્યકત કરી છે. આ સાથે હાર્દિકે કેન્દ્રિય નેતાગીરી પાસે સમસ્યાના ઉકેલ માટે પણ અપીલ કરી છે. અને કહ્યું છે કે, હું આશા રાખું છું કે કેન્દ્રીય નેતાઓ કોઈ રસ્તો કાઢશે.

(8:10 pm IST)