Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

વડોદરા જિલ્લાના દાંડિયા બજાર વિસ્તારમાં પ્રતિસ્પર્ધીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેર - જીલ્લા તેમજ અન્ય જીલ્લામાં પોલીસ વિભાગના વિવિધ કામો માટે ઈજારો ભરતા ઇજારદારને શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં તેના જ પ્રતિસ્પર્ધીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજારદારે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. ફરિયાદ આપ્યાના 10 દિવસ પૂરા થયા છતાંય કસૂરવારો સામે ગુન્હો નોંધવામાં આવ્યો નથી. જ્યારે સ્થાનિક પોલીસની નીતિ પર પણ સવાલો ઊભા થયા છે.

પોલીસ વિભાગમાં સાઈનબોર્ડ,બેનર્સ અને ટ્રાફિક બ્રિગેડના યુનિફોર્મ સહિત વિવિધ કમગીરી માટે ટેન્ડર ભરતા જયેશ વાઘેલાએ ગત 18 એપ્રિલે રાવપુરા પોલીસ મથક, જોઇન્ટ પોલીસ કમિશનર, પોલીસ કમિશનર તેમજ ગૃહ મંત્રી સુધી પત્ર લખીને ફરિયાદ આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ટ્રાફિક અવરનેસ ટ્રસ્ટ ચલાવતા મોહિત શાહ અને તેમના ભાઈ સાગર શાહે પોલીસ વિભાગમાં મળતા કામોના ટેન્ડર ની હરીફાઈમાં અદાવત રાખીને ગત 18 એપ્રિલે મને મળ્યા હતાં. દાંડિયા બજાર સ્થિત મધુ કોપી સેન્ટરમાં કોઈ કામ અર્થે હું ગયો હતો ત્યારે પાછળથી આવેલા સાગર શાહે મને અભદ્ર ભાષામાં ગાળો આપી હતી. પોલીસ વિભાગના ટેન્ડર ભરતો હોવાની અદાવતે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ત્યાર બાદ સાગર શાહનો ભાઈ મોહિત શાહ પણ કેટલાક લોકોને લઈને સ્થળ પર આવી પહોંચ્યો હતો. અને માર મારવા અને ધક્કે ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને ગાયબ કરી દેવાની ધમકી ઉચ્ચારી હતી. આ અંગે ફરિયાદી જયેશ વાઘેલાએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જોકે પોલીસ મોડી પહોંચતા ધમકી આપનાર શાહ બંધુઓ સ્થળ છોડી નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટના મધુ કોપી સેન્ટરના સીસીટીવીમાં કેદ થઈ હતી. જ્યારે કેટલાક સ્થાનિકોએ પણ વિડિયો ઉતાર્યા હતા. આટ આટલા પુરાવા સહિત રાવપુરા પોલીસ મથકે,જોઇન્ટ પોલીસ કમિશનર તેમજ પોલીસ કમિશનર ને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાંય ઘટનાના 8 દિવસ બાદ પોલીસે ગુન્હો નોંધ્યો નથી. મોહિત શાહ અને સાગર શાહ દ્વારા સડક સુરક્ષા સમિતિ નામે ટ્રસ્ટ ચલાવવામાં આવે છે. જે ટ્રસ્ટને સરકારી સમિતિ ગણાવીને રોફ ઉભો કરાયો છે. પોલીસ અધિકારીઓ અને નેતાઓ સાથે સારા સંબંધો છે.જેથી મારું કશું બગાડી નહિ લે તેવી જાહેરમાં ધમકી ઉચ્ચારી હતી.

(7:26 pm IST)