Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

વડોદરાના સમા ટાંકી વિસ્તારમાં પાણીનો વાલ્વ બગડી જતા પાણીનો કાપ:લોકોને હાલાકી

વડોદરા:શહેરની સમાં ટાંકીનો વાલ્વ બગડી જતા ગઈકાલે અલગ-અલગ ચાર ઝોન વિસ્તારમાં સમયસર પાણી વિતરણ કરી શકાયું ન હતું. ત્યારબાદ જે પાણી વિતરણ કરાયું તે પણ ઘણું મોડું અને ઓછા પ્રેશરથી આવતા અંદાજે ૫૦ હજારથી વધુ વસ્તીએ હેરાન થવાની પરિસ્થિતિ ઉભી થઈ હતી. ગઈકાલે અચાનક આ ટાંકી પરનો વાલ્વ બગડી જતા સમા ટાંકી અંતર્ગત ચાર ઝોનમાં સમયસર પાણી વિતરણ કરાયું ન હતું. વાલ્વ બગડી જવાની જાણકારી મળતા પાલિકાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણી પુરવઠા વિભાગ દ્વારા વાલ્વ બદલવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે મોડી રાત્રે ૧૧ વાગ્યે પૂર્ણ થઇ હતી. જેના પગલે રાત્રિના ૧૧ વાગ્યા બાદ પાણી વિતરણ થયું હતું. અસરગ્રસ્ત ચાર ઝોન પૈકી કેટલાક વિસ્તારમાં રાત્રે બાર વાગ્યે પાણી આપવામાં આવ્યું હતું. પાણી મોડું તથા હળવા દબાણથી અપાતા અંદાજે અડધો લાખ જેટલા નાગરિકોએ હાલાકી વેઠવી પડી હતી. કોર્પોરેશન દ્વારા જે પાણી વિતરણ કરાતું હોય છે જેમાં ઘણા ગરીબ પરિવારો પાસે પીવાના પાણીના સ્ટોરેજ કરવાની સગવડ હોતી નથી. તેઓ તેમને ત્યાં ડ્રમ અથવા અન્ય સાધનોમાં પાણી ભરી રાખતા હોય છે. ગઈકાલે ઊભી થયેલી પરિસ્થિતિના કારણે મોડું પાણી વિતરણ કરાતા કેટલીક વસાહતોના રહીશોએ રાત્રીના ૧૨ વાગ્યે પાણી ભરવાની નોબત ઊભી થઈ હતી. જેથી તેઓએ ઉજાગરા કરવા પડ્યા હતા.

(7:25 pm IST)