Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

આણંદ તાલુકાના મોગર ગામની પરિણીતાને દહેજ મામલે ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ : આણંદ તાલુકાના મોગર ગામની પરિણિતાને દહેજ ભૂખ્યા સાસરીયાઓએ શારીરિક-માનસિક ત્રાસ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિણિતાએ પતિ સહિતના સાસરીયાઓ વિરુધ્ધ આણંદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

મોગર ગામની ઈંદિરા નગરી ખાતે રહેતી સિદ્દીકાબાનુ દીવાનના લગ્ન વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણીયા ગામે શહીદશા સાબીરશા દીવાન સાથે થયા હતા. શરૂઆતમાં લગ્નજીવન સુખરૂપ ચાલ્યું હતું પરંતુ ત્યારબાદ પતિ સહિત શહીદશા દારૂ પીવાની ટેવવાળો હોઈ પરિવારમાં ઝગડા થવાના શરૂ થયા હતા. દરમિયાન નણંદ સહિતના સાસરીયાઓની ચઢવણીથી પતિએ શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું. પતિ સહિતના સાસરીયાઓએ દહેજ પેટે રૂ. ૧ લાખની માંગણી કરી હતી. ત્યારબાદ ગત તા. ૨૩મી માર્ચના રોજ સિદ્દીકાબાનુના નાના દીકરા તૈમુરને મળવા આવતા પતિ સહિતના સાસરીયાઓએ દીકરા માટે ખેંચતાણ કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે સિદ્દીકાબાનુએ આણંદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શહીદશા સાબીરશા દિવાન, તબસ્સુમબાનુ સાબીરશા દીવાન, બાનુબીબી સાબીરસા દીવાન અને મહેમુદશા મહમદશા દીવાન તમામ રહે રાણીયા તા. સાવલી વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 

(7:23 pm IST)