Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ઠાસરા તાલુકાના ઢુંડી ગામે વરઘોડામાં સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં પથ્થરમારો થતા મામલો બિચક્યો

નડિયાદ : ઠાસરા તાલુકાના ઢુંડી ગામે આજે સવારે નીકળેલા વરઘોડા દરમ્યાન ગામના બે સમાજના જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. ચૂંટણીની જૂની અદાવતમાં મામલો બીચકતા પથ્થર મારો થયો હતો. આ ઘટનાની જાણ ઠાસરા પોલીસને થતા પોલીસની આખી ટીમ ઘટના સ્થળે ઉમટી પડી હતી. અને બંને કોમના જવાબદાર શખ્સોેને પકડીને પોલીસ મથકે લઇ ગયા હતા. જોકે આ જૂથ અથડામણ થતા જ ગામમાં અશાંતિ ફેલાઇ હતી.

ઢુંડી ગામે આજે સવારે ડીજેના તાલે ચાવડા સમાજના એક સ્થાનિકનો જવારાનો વરઘોડો નીકળ્યો હતો. તે સમયે ગામના ચાવડા સમાજ અને પરમાર સમાજ વચ્ચે પહેલા તો ડીજે વગાવડા બાબતે ઝઘડો શરુ થયો હતો. ત્યારબાદ ચૂંટણીની જુની અદાવતમાં અને સોશ્યલ મીડીયા પર થયેલ કોમેન્ટો બાબતે મામલો ઉગ્ર બન્યો હતો અને પત્થરમારો શરુ થયો હતો. લાલ ઇંટના ઢેખાડાથી સામસામે પત્થરમારો થતા અનેક લોકોને ઇજાઓ પહોંચી હતી. જો કે આ ઘટનાથી વાતાવરણ તંગ બન્યું હતુ અને સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઢૂંડી ગામે ઉતરી પડી હતી.  ઠાસરા પોલીસે ઘટના સ્થળે આવી બંને સમાજના પત્થરમારો કરનારા લોકોને પકડીને પોલીસ મથકે લઇગયા હતા. જો કે હાલ ગામમાં શાંતિ છવાયેલી છે અને પોલીસ મથકે બંને કોમના ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોધાઇ છે.

(7:21 pm IST)