Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ગાંધીનગર:નરોડા-દહેગામ હાઇવે નજીક લોડિંગ રીક્ષા પલ્ટી ખાતા ગંભીર ઇજાથી ચાલકનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા નરોડા દહેગામ હાઈવે ઉપર ગઈકાલે રાત્રે કુબેરનગરથી માલ સામાન ભરીને દહેગામ જઈ રહેલા ભાદરોડાના યુવાનની લોડીંગ રીક્ષા પલટી જતા શરીરે ગંભીર ઇજાઓને કારણે અમદાવાદ સિવિલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ અંગે ડભોડા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો.

મળતી વિગતો પ્રમાણે દહેગામ તાલુકાના ભાદરોડા ગામે રહેતા ૩૯ વર્ષીય મોમાભાઇ નાગજીભાઈ ભરવાડ લોડીંગ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઇકાલે તેઓ ગામના રાજુભાઈ સાથે અમદાવાદ કુબેર નગર ખાતે માલ સામાન ભરવા માટે ગયા હતા. જ્યાંથી રાત્રે તેઓ સામાન ભરીને લોડીંગ રીક્ષા લઈને દહેગામ તરફ આવી રહ્યા હતા તે સમયે નરોડા દહેગામ હાઈવે ઉપર પરઢોલ ગામ પાસે અચાનક જ રિક્ષા પલટી ગઈ હતી. જેના કારણે મોમાભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં વહેલી પરોઢે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે ડભોડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

(7:21 pm IST)