Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

હું હોત તો શૂટ કરી દેત, 200 લોકો ઉભા હતા :ગ્રીષ્મા હત્યા મામલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન

એક કલાક સુધી આ ચાલ્યું. આ આપણું ગુજરાત છે, રિવોલ્વરના લાયસન્સની ચિંતા નથી ,દીકરીઓ માટે જેલમાં રહેવા તૈયાર છું : અલ્પેશ ઠાકોર

સુરતમાં સરાજાહેર એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમી ફેનિલે ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરી નાંખી. આ મામલે સેશન્સ કોર્ટ દ્વારા ફેનિલને દોષિત જાહેર કરવામાં આવ્યો.  જો કે સજાની સુનાવણી માટે તારીખ પર તારીખ પડી રહી છે. ત્યારે આ મામલે  ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે

થોડા દિવસથી ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોર વિવાદિત નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર ગ્રીષ્મા હત્યા કેસ મામલે અલ્પેશ ઠાકોરે  મોટું નિવેદન આપ્યું. તેઓએ જણાવ્યું કે  'હું હોત તો શૂટ કરી દેત,  200 લોકો ઉભા હતા અને 1 કલાક સુધી આ ચાલ્યું. આ આપણું ગુજરાત છે, રિવોલ્વરના લાયસન્સની ચિંતા નથી ,દીકરીઓ માટે જેલમાં રહેવા તૈયાર છું તેમ અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું.

 

સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે ફરી એકવાર સજાની સુનાવણી ટળી છે. હવે આ કેસમાં કોર્ટ 5 મેના રોજ સજા સંભળાવશે.પરંતુ મુખ્ય સરકારી વકીલ નયનભાઇ સુખડવાલા કોર્ટમાં હાજર ન હોવાથી મુદત પડી છે.  મહત્વનું છે કે  ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત જાહેર થયેલા ફેનિલ ગાયાણીને સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો.  ફેનીલને સુનાવણી દરમિયાન કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જેમાં 188 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આ કેસની તપાસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. પોલીસે માત્ર 7 દિવસમાં આ ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી.

મહત્વનું છે કે  અલ્પેશ ઠાકોર પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. અગાઉ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પણ રાજ્યમાં સ્નેહ સંવાદ યાત્રા કાઢવામાં આવી હતી. તે સમયે  ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના છાપરીયા ગામે પહોંચ્યા હતા. આ યાત્રા અંતર્ગત બોલતા અલ્પેશ પટેલની નારાજગી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં તેમને જણાવ્યું હતું કે ગુજરાતની ગાદી કોઈના બાપની જાગીર નથી.

(7:13 pm IST)