Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

ગુજરાત - કેન્‍દ્રના અમુક અધિકારીઓની સાથેની મિલીભગતથી બોગસ બિલીંગનું મોટું કૌભાંડ : અમદાવાદ - ખંભાત - વડોદરામાં દરોડા

DGGIના અધિકારીઓ ત્રાટકયા : જીજ્ઞેશ નામનો વેપારી મુખ્‍ય સૂત્રધાર : ૧૮ ટકાની આઇટમના જ બોગસ બીલો બનાવ્‍યા

રાજકોટ તા. ૨૬ : ગુજરાત રાજયના અને કેન્‍દ્ર સરકારના અમુક અધિકારીઓ સાથેની મિલીભગતમાં બોગસ બિલિંગના ચાલી રહેલા કૌભાંડમાં સંડોવાયેલી અમદાવાદ, વડોદરા અને ખંભાતની પાર્ટીઓ પર ગઇકાલથી ડિરેક્‍ટોરેટ જનરલ ઓફ ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ ઇન્‍ટેલિજન્‍સ (DGGI)ના અધિકારીઓએ દરોડા ચાલુ કર્યા છે. કેમિકલ કંપનીના નામે કરોડોના બોગસ બિલો બનાવવામાં આવ્‍યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે. પેટલાદ ખંભાત રોડ પર આવેલા એકમો ઉપરાંત વડોદરા ખાતેના નિવાસસ્‍થાને પણ DGGIએ દરોડા પાડયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જિજ્ઞોશ શાહ નામની વ્‍યક્‍તિની તેમાં સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરાના જીએસટીના અધિકારીઓ પણ કેટલાક સમયથી આ કેસમાં તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

બોગસ બિલિંગ કરનારી આ કંપનીએ બહુધા ૧૮ ટકાની આઈટેમ્‍સના જ બોગસ બિલ બનાવ્‍યા છે અને તેને આધારે ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ મેળવી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બિલમાં વાસ્‍તવિક વહેવારો પણ ન થયા હોવાનું માનવામાં આવે છે. ૨૦૧૭-૧૮થી ૨૦૨૦-૨૧ના ગાળા સુધી તેમણે બોગસ બિલોનો વેપાર કર્યો હોવાનું માનવામાં આવે છે.

નવાઈ પમાડે તેવી બાબત તો એ છે કે કોરાનાકાળમાં ખાસ્‍સા વેપાર વહેવારો બંધ હોવા છતાંય આ બોગસ બિલિંગ કરનારાઓએ બિલ બનાવીને ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ લેવાનું ચાલુ રાખ્‍યું હોવાનું માનવામાં આવે છે. બોગસ બિલ કરનારી ખંભાત અને વડોદરાની પાર્ટી સાથે બીજા ઓછામાં ઓછા દસથી બાર બોગસ જીએસટી નંબર હોવાનું પણ ધ્‍યાનમાં આવી રહ્યું છે. આ બોગસ નંબરને આધારે તેમણે બિલો બનાવીને કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ મેળવી લીધી હોવાનું માનવામાં આવે છે. કેન્‍દ્રિય જીએસટી અને સ્‍ટેટ જીએસટીના અધિકારીઓના પણ તેમની સાથે છેડાં અડતા હોવાની આશંકા સાથે જ ડિરેક્‍ટોરેટ જનરલ ઓફ ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ ઇન્‍ટેલિજન્‍સના અધિકારીઓએ આ કેસમાં તપાસ ચાલુ કરી છે.

પેટલાદ ખંભાત રોડ પર આવેલા એકમો ઉપરાંત વડોદરા ખાતેના નિવાસસ્‍થાને પણ DGGIએ વડોદરા પાડયા હોવાનું અને, કોઇ જીજ્ઞેશ નામની વ્‍યકિતની તેમાં સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરાના જીએસટીના અધિકારીઓ પણ કેટલાક સમયથી આ કેસમાં તપાસ કરી રહ્યા હોવાનું કહેવાય છે.

(3:56 pm IST)