Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

હાર્દિકનું હાઇકમાન્ડને અલ્ટીમેટમ

નારાજગી ચરમસીમાએ! હાર્દિક પટેલે ફરી એક વખત ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યુ, પક્ષમાં ખળભળાટઃ કેટલાક મને પક્ષમાંથી દુર કરવા માંગે છે : હું કોંગ્રેસમાં જ રહું તેના માટે હાઇકમાન્ડ કોઇક રસ્તો કાઢે

નવી દિલ્હી, તા.૨૬: રાજકીય વર્તુળમાં હાલ હાર્દિક પટેલને લઈને ચર્ચા ચાલી રહી છે. હાર્દિક પટેલ રોજ નવા ટ્વીટ અને વોટ્સએપ ડીપીથી સતત ચર્ચા વધારી રહ્યાં છે. તેમની પક્ષ પ્રત્યેની નારાજગી આંખે ઉડીને વળગે તેમ છે. આ વચ્ચે તેમણે ફરી એક વખત ટ્વીટ કરી ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ફરી એક વખત ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધ્યું છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી જણાવ્યું કે હું અત્યારે કોંગ્રેસમાં જ છું અને હું કોંગ્રેસમાં જ રહું તેના માટે હાઇકમાન્ડ કોઇક રસ્તો કાઢશે તેવી મને આશા છે. જોકે કેટલાક લોકો તો એવા પણ છે, જે ઈચ્છે છે કે હું કોંગ્રેસ છોડી દઉં. આવા લોકો મારું મનોબળ તોડવા માગે છે.
હાર્દિક પટેલ કોંગ્રેસનું પલ્લું છોડીને ભાજપનો પાલવ પકડવા ખૂબજ ઝડપથી આવવાના છે? વોટ્સએપ પર લગાવવામાં આવેલા તેમના નવા ફોટોથી લાગી રહેલા અંદાજ વધુ મજબૂત થઈ ગયા છે. વોટ્સએપની નવા ડીપીમાં હાર્દિક પટેલ ભગવો ખેસ પહેરેલા જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલે વોટ્સએપ અને ટેલીગ્રામમાં ડિસ્પ્લે ફોટો બદલી નાંખ્યો છે.
હાર્દિક પટેલ હાલમાં તો ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ ગુજરાત કોંગ્રેસ નેતૃત્વથી નારાજ છે. ઘણીવાર તેઓ પોતાની નારાજગી જાહેરમાં વ્યકત કરી ચૂકયા છે. તેમણે એટલે સુધી કહી દીધું હતુ કે કોંગ્રેસમાં તેમની હાલત એવી થઈ ગઈ છે કે જેમ નવા વરરાજાની નસબંધી કરાવી દીધી હોય. અહીં તેઓ કહેવા ઈચ્છી રહ્યા હતા કે તેમની પાસે પાર્ટીમાં નિર્ણય લેવાનો કોઈ પાવર નથી.
હાર્દિક પટેલે કહ્યું હતું કે તેમની નારાજગી કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરી કહેતાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અથવા સોનિયા ગાંધી સાથે નથી, પરંતુ સ્ટેટ લીડરશિપ સાથે છે. હાર્દિક પટેલે ગયા અઠવાડિયે જ રામ રાગ આલાપી પોતાને રામભકત કહ્યા હતા. હાર્દિકએ પોતાને રામભકત કહેતા જણાવ્યુ હતું કે હિંદુ હોવા પર તેમને ગર્વ છે. હાર્દિક પટેલે પોતાના પિતાના મૃત્યુ સંસ્કાર પર ચાર હજાર ભગવત ગીતા વહેંચવાની વાત કહી હતી અને કહ્યુ કે અમે હિંદુ ધર્મના છીએ અને અમને હિંદુ હોવા પર ખૂબ ગર્વ છે. એ પછીથી ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલે પણ હાર્દિક પટેલની પ્રશંસા કરી હતી. જેનાથી હાર્દિક પટેલ બીજેપીમાં જવા તૈયારી બતાવી હોવાનો કયાસ લોકો કાઢી રહ્યા છે. લોકોમાં ચર્ચાની એરણે એ વાત છે કે હાર્દિકના નિવેદનને સીઆર પાટીલે વખાણ્યું તે જ બતાવે છે કે આવનાર સમયમાં હાર્દિક માટે ભાજપના દરવાજા ખુલ્લા હોઈ શકે છે. રાજકારણમાં શું બનશે એ તો સત્ય સામે આવે ત્યારે જ ખબર પડે.

 

(3:24 pm IST)