Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

સામાન્‍ય પરિવારના પ્રશ્નોને સહજતાથી હાસ્‍ય સાથે રજૂ કરતી ‘વાગલે કી દુનિયા'

‘વાગલે કી દુનિયા'ટીમે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની સૌજન્‍ય મુલાકાત લીધી હતી : સામાન્‍ય પરિવારને પડતી તકલીફોને યુનિક રીતે દર્શાવી, વ્‍યૂઅર્સને હસાવીને સોલ્‍યુશન આપવું તે બની છે શોની યુએસપી

અમદાવાદ, તા.૨૬: એક સમયે દૂરદર્શન પર પ્રસારિત થતી ‘વાગલે કી દુનિયા' લોકોના જીવન સાથે વણાઈ ગઈ હતી. વ્‍યૂઅર્સ કાગડોળે તેની રાહ જોઈને બેસી રહેતા હતા. આજ ટેલિવિઝન સિરીઝને રીક્રીએટ કરવામાં સબ ટીવી અને હેટ્‍સ ઓફ પ્રોડક્‍શન હાઉસ સફળ રહ્યું છે. ગુજરાતી જે.ડી. મજેઠિયા અને આતિશ કાપડિયાએ તેમની મહેનતથી આ ફેમસ ડેઈલી સોપના ૩૦૦ થી વધુ એપિસોડ ટેલિકાસ્‍ટ થઈ ચૂક્‍યા છે અને ટીઆરપી રેટીંગમાં આ સીટ-કોમ નવા-નવા રેકોર્ડ સર્જી રહી છે. આજે ‘વાગલે કી દુનિયા' માં રાજેશ વાગલેની ભૂમિકા ભજવતા સુમીત રાઘવન, વંદના વાગલેનો રોલ નિભાવતી પરિવા પ્રણતી અને તેમના બાળકોનો રોલ નિભાવતા બંને બાળ કલાકારોની સાથે હેટ્‍સ ઓફ પ્રોડક્‍શનના જે.ડી. મજેઠિયાએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને તેમની ટેલિવિઝન સિરીઝની સફળતા અને તેના આગામી એપિસોડ્‍સ અંગે ચર્ચા કરી હતી.   

રોજબરોજની જીંદગીમાં સામાન્‍ય પરિવારને પડતી મુશ્‍કેલીને આસાનીથી હાસ્‍ય સાથે દર્શાવનાર આ ડેઈલી સોપની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. લગભગ બે દાયકા પહેલાની સફળ સિરીઝને ફરી એકવાર જીવંત કરવી તે એક ચેલેન્‍જ સમાન હતી પરંતુ તે ચેલેન્‍જ પણ પ્રોડ્‍યુસર્સ અને એક્‍ટર્સ બખૂબી નિભાવી રહ્યા છે અને આ ટેલિવિઝન સિરીઝ લાખો વ્‍યૂઅર્સના દિલ જીતી રહી છે.

‘વાગલે કી દુનિયા' ટીમે  મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની સૌજન્‍ય મુલાકાત લીધી હતી અને સીરિયલની સફળતા વિશે ચર્ચા કરી હતી. ભૂપેન્‍દ્રભાઇ પટેલે પણ સ્‍ટોરી પાર્ટમાં અનેક સજેશન આપ્‍યા હતા અને સાથે કહ્યું હતું કે, સામાન્‍ય પરિવારને પડતી તકલીફોને યુનિક રીતે દર્શાવી અને તેના સોલ્‍યુશન આપવા તે ઘણી સરાહનીય વાત છે.   

ડેઈલી-સોપની લોકપ્રિયતા જાળવી રાખવી તે કોઈપણ પ્રોડ્‍યુસર્સ અને  ટીમ માટે લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે. આ અંગે જે.ડી. મજેઠિયાનું કહેવું છે કે, અમે ૧૪ રાઈટર્સની ટીમ બનાવી છે અને હું જાતે પણ  રાઈટીંગ પ્રોસેસમાં જોડાયો છું. અમે કોઈપણ સ્‍ટોરીને વધુ ખેંચી નથી રહ્યા અને દરેક સ્‍ટોરીને મેક્‍સિમમ બે કે ત્રણ એપિસોડમાં પૂરી કરવાનો આગ્રહ રાખીએ છીએ. જેથી ઓડિયન્‍સનો પણ ઈન્‍ટરેસ્‍ટ જળવાઈ રહે.  તેમણે ઉમેર્યું હતું કે, અમારી સીરિયલનો એક ટોપિક ખૂબ જ ટ્રેન્‍ડ થયો હતો. જેમાં બાળકોને સમજાવવા ખૂબ જ જરૂરી એવા ગુડ ટચ અને બેડ ટચ વિષયને ખૂબ સરસ રીતે દર્શકો સામે મૂક્‍યો અને જે લોકોને ખૂબ ગમ્‍યું. અનેક લોકોએ અમારી મહેનતને વખાણી અને આવા અનેક ટોપિકને ‘વાગલે કી દુનિયા' મારફતે તેમની તરફ રજૂ કરવા અપીલ કરી હતી.(૨૩.૨૦)

(3:09 pm IST)