Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

સૌથી મોટી અલરોઝા કંપની પર અમેરિકાનો પ્રતિબંધઃ સુરતના રત્‍નકલાકારો માટે કપરો સમય આવશે

ડાયમંડ ઉદ્યોગને રફ સપ્‍લાય કરનારી : કંપનીઓ દ્વારા કામના બે કલાક ઘટાડી શનિ અને રવિવારની રજા જાહેર કરી : કેટલાક હીરાના કારખાનાઓ મીની વેકેશન આપશે

સુરત,તા.૨૬: કોરોના બાદ માંડ માંડ પાટા પર ચઢેલાં હીરા ઉદ્યોગની પરિસ્‍થિતિ ફરીથી કથળી ઉઠી છે. ડાયમંડ ઉદ્યોગને રફ સપ્‍લાય કરનારી સૌથી મોટી અલરોઝા કંપની પણ અમેરિકાએ પ્રતિબંધ મુક્‍તા રત્‍નકલાકારોમાં બેકારીનું પ્રમાણ વધશે. આ સાથે હીરા ઉદ્યોગ કંપનીએ બે કલાક કામના ઓછા કરી શનિ અને રવિવારની રજા જાહેર કરી છે તો કેટલાક હીરાના કારખાનાઓએ મીની વેકેશન આપવાનું નક્કી કર્યું છે.

સુરતનો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર દેશ સહિત વિશ્વમાં પ્રખ્‍યાત છે. દુનિયાના ૧૦ ડાયમંડ પૈકી નવ સુરતમાં તૈયાર થાય છે ત્‍યારે કોરોનામાં સુરતનો હીરા ઉદ્યોગ પડી ભાંગ્‍યો હતો. જોકે ત્‍યાર બાદ પરિસ્‍થિતિ સુધરતા હીરા ઉદ્યોગ પાટે ચડ્‍યો હતો. જો કે રશિયા અને યુક્રેન વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધ વચ્‍ચે અમેરિકાએ સૌથી મોટી રફ સપ્‍લાય કરનારી અલરોઝા કંપની પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને કારણે રફની ડીમાન્‍ડ સૌથી મોટી ઉભી થઇ છે.

સુરતના હીરા ઉદ્યોગમાં રફની અછતના કારણે હીરા ઉદ્યોગની પરિસ્‍થિતિ કથળી છે હાલ જે રીતે રફની અછત વર્તાઈ રહી છે જેને ધ્‍યાનમાં લઇને હીરાના માલિકો દ્વારા કામના કલાકો દ્યટાડી દેવામાં આવ્‍યા છે. રત્‍ન કલાકારો પાસેથી આઠ કલાક કામ લેવાના બદલે ફક્‍ત છ કલાક કામ લઇ રહ્યા છે સાથોસાથ શનિ અને રવિ બન્ને દિવસોએ રજા જાહેર કરી છે.

તો બીજી તરફ જોવા જઈએ તો કેટલાક કારખાનેદારોએ તો મીની વેકેશન આપવાની જાહેરાત પણ કરી દીધી છે. સુરતના જાણીતા ઉદ્યોગકારે વાતચીતમાં જણાવ્‍યું હતું કે આવનારો સમય ખૂબ જ વિકટ બનશે, જેને કારણે રત્‍ન કલાકારોએ પોતાની જે બચત છે તે બચાવી રાખવા માટે જણાવ્‍યું હતું.

(2:55 pm IST)