Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

વિરનગરના બંને માસીયાઇ ભાઇઓની એક સાથે અંતિમવિધી : ગામ હિબકે ચડયુ

હિટ એન્‍ડ રનની ઘટનામાં લેઉવા પટેલ પરિવારના આધારસ્‍તંભ - એકના એક પુત્રો જેનીલ હરેશભાઇ બરવાળીયા અને કેનીલ હિતેષભાઇ પણસાળાનો ભોગ લેવાતા અરેરાટી

આટકોટ : જસદણના વિરનગર ગામ પાસે પોતાનું એકટીવા લઇ ઘેર આવતા વિરનગરના જેનીલ હરેશભાઇ બરવાળીયા (ઉં.૨૧) અને કેનીલ હિતેષભાઇ પણસાળા (ઉં.૨૦) બંને
(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૨૬ : જસદણના વિરનગર ગામે ગત રાત્રે સાડા આઠ વાગ્‍યા આસપાસ હિટ એન્‍ડ રનની ઘટનામાં વિરનગરના બે આશાસ્‍પદ પટેલ યુવકના મોત થતા વિરનગર તેમજ આજુબાજુના ગામમાં અરેરાટી છવાઇ ગઇ છે. મરણ જનાર એક યુવકના હજુ બે મહિના પહેલા જ લગ્ન થયા હતા અને બંને માસીયાઇ ભાઇ થતા હતા.
આ અંગે પ્રાપ્‍ત વિગતો મુજબ જસદણના વિરનગર ગામના બે આશાસ્‍પદ લેઉવા પટેલ યુવાનો વાડીએથી પોતાનુ એકટીવા નં. જીજે-૦૩-કેઇ-૭૮૨૭ લઇ પરત ઘરે આવતા હતા ત્‍યારે પાછળથી આવતી કાર નં. જીજે૦૩-એનબી-૧૪૫૯ના ચાલકે એકટીવાને પાછળથી હડફેટે લેતા એકટીવા ફુટબોલની જેમ ઉછળ્‍યું હતું. જેમાં જેનીલ હરેશભાઇ બરવાળીયા (ઉ.વ.૨૧) અને કેનીલ હિતેશભાઇ પણસાળા (ઉ.વ.૨૦) (બંને લેઉવા પટેલ)ના મોત થતાં જસદણ પંથકમાં અરેરાટી છવાઇ ગઇ છે.
બંને સગપણમાં માસીયાઇ ભાઇ થતાં હતા, જેનીસ રાજકોટ અને કેનીલ જસદણ કોલેજનો અભ્‍યાસ કરતા હતા.
બંને માતા - પિતાના એકનો એક પુત્ર હોય ભારે ગમગીની છવાઇ ગઇ છે. આજે બંનેની સવારે અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડયું હતું.
આ ઘટનાની જાણ થતા આટકોટ જિલ્લા પંચાયતના સભ્‍ય પ્રતિનિધિ પરેશ રાદડિયા ઘટના સ્‍થળે દોડી જઇ મદદરૂપ થયા હતા. આટકોટ પોલીસ પણ ઘટના સ્‍થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્‍માત બાદ કાર ચાલક નાસી છુટયો છે.
આ ઘટનાથી વિરનગર ગામે સ્‍વયંભુ આજે બંધ પાળ્‍યો હતો. વધુ તપાસ આટકોટના પી.એસ.આઇ. કે.પી.મેતા ચલાવે છે.

 

(10:27 am IST)