Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ : બાગી ધારાસભ્યોનું કપાશે પત્તુ : પક્ષપલટુઓને પણ ઘરભેગા કરાશે

અનેક ધારાસભ્યોને તો ખુદ પક્ષ જ નિવૃતિ જાહેર કરવા સૂચના આપી શકે : મિશન 150 સાથે આગળ વધતી ભાજપ ધરમૂળથી ફેરફાર કરવા સાથે અનેક આંચકા આપશે

અમદાવાદ : ગુજરાતવિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે ઉમેદવારોની પસંદગીને લઇને તૈયારીઓ આરંભી છે. આ વખતે બાગી ધારાસભ્યો ભાજપના હિટલિસ્ટમાં છે. સરકાર સામે નિવેદનબાજી કરનારાં ધારાસભ્યોનું પત્તુ કપાય તેવી પૂરી શક્યતા છે. એટલું જ નહીં પેટાચૂંટણીઓમાં ટિકિટ મેળવીને ધારાસબ્ય પદ મેળવનારા પક્ષપલટુઓને પણ ઘરભેગા કરી દેવાનું નક્કી કરાયું છે. એવી પણ ચર્ચા છે કે અનેક ધારાસભ્યોને તો ખુદ પક્ષ જ નિવૃતિ જાહેર કરવા સૂચના આપી શકે છે.

   મિશન 150ના ટાર્ગેટ સાથે આગળ વધતી ભારતીય જનતા પાર્ટી આ વખતની ચૂંટણીમાં ધરમૂળથી ફેરફાર કરી અનેક આંચકાઓ આપે તેવી પૂરી શક્યતા છે. તેમાં પણ ખાસ કરીને ભાજપ સરકાર સામે મોરચો માંડનારા ધારાસભ્યો પક્ષના હિટલિસ્ટમાં છે

  રૂપાણી સરકાર વખતે અનેક ધારાસભ્યોએ સરકાર સામે બાંયો ચડાવી હતી. જેમાં કેતન ઇનામદાર. યોગેશ પટેલ. મધુ શ્રીવાસ્તવ. કુંવરજીભાઈ  બાવળિયા. ગોવિંદ પરમાર તેમજ કેસરીસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. કેતન ઇનામદાર તેમજ અન્ય ધારાસભ્યોએ કામો થતાં નથી તેવું બહાનું ધરીને સરકાર સામે મોરચો માંડ્યો હતો. તો પૂર્વ પ્રધાન પુરૂષોત્તમ સોલંકીએ પણ માછીમારોને રાહત સહાય આપવા મુદ્દે સરકાર સામે નિશાન સાધ્યું હતું. તો પૂર્વ કેબિનેટ પ્રધાન કુંવરજીભાઈ  બાવળિયા. ધારાસભ્ય ગોવિંદ પરમાર અને કેસરીસિંહ સોલંકી પણ સરકાર સામે સવાલો ઉઠાવી ચૂક્યા છે. આથી હવે આ બાગી ધારાસભ્યોને ફરી ટિકિટ મળે તેવી શક્યતા નહીંવત છે.

(11:35 pm IST)