Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ગુજરાતમાં પેટ્રોલના વેચાણમાં ૮૧ તથા ડીઝલમાં ૮૫ ટકાનો તોતિંગ ઘટાડો

રાજયમાં સામાન્ય દિવસોમાં પેટ્રોલનું મહિને ૨૧ કરોડ લીટરનું વેચાણ થાય છે

અમદાવાદ, તા.૨૬: વડાપ્રધાને મંગળવારની રાત્રે લોકડાઉન જાહેર કર્યા બાદ જાણે કરફ્યૂ લાદવામાં આવ્યો હોય તેમ લોકો પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ભરાવવા દોટ મુકી હતી. રાજયમાં મહિને ૨૧ કરોડ લીટર પેટ્રોલ અને ૫૫ કરોડડ લીટર ડીઝલનું વેચાણ થાય છે. પરંતુ જનતા કરફ્યૂ બાદ પેટ્રોલ ૪ કરોડ લીટર અને ડીઝલનું વેચાણ ૮ કરોડ લીટરે પહોંચી ગયું છે. પેટ્રોલના વેચાણમાં ૮૧ ટકા અને ડીઝલના વેચાણમાં ૮૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજયમાં સામાન્ય દિવસોમાં પેટ્રોલનું મહિને ૨૧ કરોડ લીટરનું વેચાણ થાય છે. તે હાલમાં લોકાડાઉનના કારણે ઘટીને ૪ કરોડ જેવું થયું છે. એટલે કે દૈનિક માત્ર ૧.૩૩ લાખ લીટર પેટ્રોલનું વેચાણ થઈ રહ્યું છે. ડીઝલનું વેચાણ દર મહિને ૫૫ કરોડ લીટર થતું હતું તે ઘટીને ૮ કરોડ લીટર થયું છે. દૈનિક ઉપાડ ૨.૬૬ લાખ લીટરનો થઈ રહ્યો છે. રાજયમાં પેટ્રોલ-ડડીઝલના ૪,૦૦૦ અને અમદાવાદ શહેરમાં ૧૭૫ પંપો આવેલા છે. રોજનું ૪૫ હજાર લીટર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ કરતા પેટ્રોલ પંપના સંચાલકે જણાવ્યું કે હાલમાં ચાર-પાંચ માણસોથી પંપ ચલાવીએ છીએ. અન્ય પેટ્રોલ પંપો પર પણ આ પ્રકારની સ્થિતિ છે. કોરોનાના ભયથી માણસો જતા રહ્યાં છે. તે કયારે પરત આવે તે પણ નક્કી નથી. માણસોને આગ્રહ કરીએ તો પણ ના પાડે છે. જો કોઈ આવવા તૈયાર થાય તો પોલીસ દંડા મારે તે બીકે આવતા નથી. જનતા કરફયુ વખતે ૧,૦૦૦ લીટર વેચાણ થયું હતું. બાકી રોજ ૧,૫૦૦ થી ૨,૦૦૦ લીટરનો માંડ ઉપાડ છે. ગઈકાલે વડાપ્રધાનની જાહેરાત બાદ અમારે ત્યાં લાઈનો લાગી હતી અને પાંચ હજાર લીટર વેચાણ થયું હતું. તેમણે કહ્યું કે માણસોને મહિનો પુરો થાય ત્યારે પગાર તો આપીશું. પરંતુ બીજા મહિને કામ વગર પગાર કરવો મુશ્કેલ બનશે.

(11:39 am IST)