Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

હત્યા પ્રયાસમાં પતિ, પ્રેમિકા તેમજ કોન્ટ્રાકટ કિલર જબ્બે

પ્રેમિકા સાથે જીવવા પત્નિની હત્યાનો પ્લાન હતો : પતિએ પત્નિની હત્યા કરી દેવા માટે રાજસ્થાનના દેશરાજ નામના શખ્સને સોપારી આપી હતી : ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ,તા. ૨૬ : શહેરના મણિનગર વિસ્તારમાં ત્રણ મહિના પહેલાં એક પરિણીત મહિલાના ગળા પર છરીના ધા ઝીંકીને હત્યા કરવાની કોશિશની ચકચારી ઘટનાનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં મહિલાના પતિ, પ્રેમિકા અને કોન્ટ્રાક્ટ કિલરની ઘરપકડ કરી છે. પોલીસની તપાસમાં પતિ અને પ્રેમિકા ભાંગી પડયા હતા અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી. વેપારી પતિએ પત્નીની હત્યા કરવા માટે રાજસ્થાનના દેશરાજ નામના યુવકને સોપારી આપી હતી. પ્રેમિકા સાથે જીવવા પતિએ પત્નીનું કાસળ કાઢી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ સફળ થયો ન હતો અને આખરે તમામ આરોપીઓ પોલીસના સંકજામાં આવી ગયા હતા. શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ મહિનાની મહેનત બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરતાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, ઇસનપુર વિસ્તારમાં આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતી ૩૪ વર્ષીય ભાવના અમિતભાઇ ઠાકોરે મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધમાં તા.૩૦ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ હત્યાની કોશિશની ફરિયાદ કરી હતી. ભાવનાબહેન અને તેમનો પતિ અમિત ઠાકોર રવિવારની રજા હોવાથી ફિલ્મ જોવા ગયાં હતાં અને ફિલ્મ જોયા બાદ બન્ને જણા તેમનાં બાળકો માટે પીઝા લેવા માટે મણિનગર વિસ્તારમાં એક લારી પાસે ઊભા રહ્યાં હતાં. પીઝા લેવા માટે અમિત ઠાકોર કારમાંથી નીચે ઊતર્યા હતા ત્યારે અજાણ્યો શખ્સે ભાવનાના ગળામાં છરીનો ઘા ઝીંકીને નાસી ગયો હતો. ભાવનાના ગળામાં લોહી નીકળતાં અમિત તરત જ તેને હોસ્પિટલ લઇ ગયો હતો. મણિનગર પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. મણિનગર પોલીસે લૂંટના ઇરાદે આ હુમલો કરવામાં આવ્યો હોવાની થિયરી પર તપાસ કરી હતી પરંતુ તપાસમાં કંઇક બીજી વાત માલૂમ પડતાં પોલીસને તેના પતિ ઉપર પણ શંકા ગઇ હતી. મણિનગર પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાંચે પણ આ રહસ્યમય હુમલામાં ઝંપલાવ્યું હતું અને દરેક દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ક્રાઇમ બ્રાંચની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સ્ટીલની વેપાર કરતા અમિત ઠાકોરને દક્ષા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે. ક્રાઇમ બ્રાંચે લૂંટ થઇ હોવાની દિશામાં તપાસ છોડીને અમિત ઠાકોર વિરુદ્ધમાં તપાસ શરૂ કરી હતી. તપાસ કરતાં ક્રાઇમ બ્રાંચને જાણવા મળ્યું હતું કે અમિત અને દક્ષા વચ્ચે ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. બન્ને જણાં એક થવા માંગતા હતાં. જેથી ભાવનાનો કાંટો કાઢવો જરૂરી હતો. ક્રાઇમ બ્રાંચે અમિત અને દક્ષાની પૂછપરછ કરી તેમાં તેઓ ભાંગી પડ્યાં હતાં અને પોતાની કબૂલાત કરી હતી કે ભાવનાની હત્યા કરવા માટે રાજસ્થાનના દેશરાજ નામના યુવકને સોપારી આપી હતી. દેશરાજને દસ હજાર રૂપિયા એડવાન્સ આપ્યા હતા અને ભાવનાની હત્યા કરી નાખ્યા બાદ ઘણા રૂપિયા આપવા માટેની વાત કરી હતી. દેશરાજે ભાવનાની હત્યા કરવા માટે બે વખત કોશિશ કરી હતી. જોકે તે નાકામિયાબ રહ્યો હતો ત્યારે રવિવારે તેની હત્યા કરવા માટે અમિતે પ્લાન બનાવ્યો. જેમાં દક્ષા અને દેશરાજ સામેલ હતાં. અમિત ભાવનાને મૂવી જોવા લઇ ગયો અને ત્યાર બાદ તે પિઝા લેવા માટે ઊભો રહેવાનો છે. તેની જાણ દેશરાજને કરી હતી. પીઝા લેવા માટે અમિત કારથી ઊતરે ત્યારે દેશરાજે ભાવના પર હુમલો કર્યો હતો. ક્રાઇમ બ્રાંચે કોન્ટ્રાક્ટ કિલર, અમિત અને દક્ષાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

(9:11 pm IST)