Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ચૂંટણીના મંડપ મધ્યે મૂરતિયા પધરાવો સાવધાન... ગુરૂવારે જાહેરનામુ

પહેલુ પહેલુ મંગળિયુ વર્તાય રે... પહેલે મંગળ ઉમેદવારી પત્ર ભરાય રે...માંડવામાં પ્રચારના ગીત ગવાય રે...કુમકુમના તિલક રૂડા થાય રે... : ગુજરાતની લોકસભાની ર૬ બેઠકો માટે ર૮ માર્ચથી ૪ એપ્રિલ ફોર્મ ભરવાનો સમયઃ પ એપ્રિલે ચકાસણીઃ ર૩મીએ મતદાન

રાજકોટ, તા., ૨૬: ગુજરાતમાં લોકસભાની ચુંટણીના દિવસો આખરે નજીક આવી ગયા છે. ચુંટણીના માંડવે મુરતીયા લાવવાનો સમય સામો દેખાય છે. રાજયની ર૬ લોકસભા બેઠકોમાટે તા.૨૩ એપ્રિલે મતદાન થનાર છે. તેના માટે જાહેરનામુ તા.ર૮ ગુરૂવારે બહાર પડશે. તે જ દિવસથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. લોકશાહીમાં ચુંટણી જનાદેશનું સૌથી અગત્યનું માધ્યમ છે. ચુંટણીના માંડવે મતદાનના ઢોલ શરૂ થઇ ગયા છે.

ગુજરાતની ચુંટણી દેશના ત્રીજા ચરણના મતદાનમાં છે. તા.ર૮થી ૪ એપ્રિલ સુધી ફોર્મ ભરવાનો સમય છે. પ એપ્રિલે ચકાસણી થશે. ૨૩ એપ્રિલે મતદાન અને ર૩ મેએ પરીણામ છે ગુજરાતની ચુંટણીના પરીણામ પર સમગ્ર દેશની નજર હોયતે સ્વભાવીક છે. વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીયપ્રમુખનું આ ગૃહ રાજય છે.

ગુજરાતમાં સાડા ચાર કરોડ જેટલા મતદારો છે. પ૧ હજાર જેટલા મતદાન મથકો પર મતદાન થશે. ર લાખથી વધુ કર્મચારીઓ ફરજ પર મુકાશે. કેન્દ્રીય ચુંટણી પંચના ગુજરાત એકમે ચુંટણીની સઘળી તૈયારી પુર્ણ કરી લીધી છે.ર૦૧૪ ની લોકસભાની ચુંટણીમાં તમામ ર૬ બેઠકો પર ભાજપનો વિજય વાવટો લહેરાયો હતો. આ વખતે ગુરૂવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ રહી છે. ભાજપ કોંગ્રેસ સહીતના રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીનું કાર્ય વેગવાન બનાવ્યું છે. બંન્ને પક્ષના કેટલાક ઉમેદવારો જાહેર થઇ ગયા છે. ઉમેદવારી પત્રો ભરાઇ અને ચકાસણી થઇ જાય પછી ચુંટણી પ્રક્રિયામાં વેગ આવશે.

(3:25 pm IST)