Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

બાકીની ૧૦ બેઠકોની પસંદગી ભાજપ માટે શિરદર્દ : ખેંચતાણ - ગરમાવો

પોરબંદર માટે રાદડિયા પરિવાર અને જશુબેન - મનસુખભાઇનું નામ : અમદાવાદ પૂર્વ માટે સી.કે.પટેલનું નામ ચર્ચામાં : બનાસકાંઠામાં ચૌધરી - ભટોળ વચ્ચે સ્પર્ધા : પાટણનું કોકડુ પણ ગૂંચવાયેલુ

રાજકોટ તા. ૨૬ : ગુજરાતની ૨૬ પૈકી ૧૬ લોકસભા બેઠક માટે ભાજપે પ્રથમ તબક્કે ઉમેદવારો જાહેર કરી દીધા છે પરંતુ બાકીની ૧૦ બેઠકોની પસંદગી ભાજપ માટે માથાના દુઃખાવારૂપ બન્યાની માહિતી બહાર આવી રહી છે. ઠેર-ઠેર ખેંચતાણના કારણે ગરમાવો છે. મામલો થાળે પાડવા પ્રભારી ઓમ માથુર ગુજરાત દોડી આવ્યા છે.

લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬ ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. ભાજપની પહેલી યાદીમાં ગાંધીનગર બેઠક પરથી અમિતભાઈઙ્ગ શાહનું નામ જાહેર કરાયું હતું. ગુજરાતની બીજી યાદીમાં ભાજપે મોટા ભાગના સાંસદોને રિપીટ કર્યા છે. હજુ પણ ૧૦ બેઠકો પર ઉમેદવારોના નામને લઇને કોકડું ગુંચવાયેલું છે.

ભાજપે ગુજરાતની ર૬માંથી ૧૬ બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે. પરંતુ જે દસ બેઠકો બાકી રહી છે તેના કારણે રાજકારણ ગરમાયુ છે.આ દસ બેઠકોમાં અમદાવાદ પૂર્વ, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, મહેસાણા, પોરબંદર, જૂનાગઢ, આણંદ, સુરત, છોટાઉદેપુર બેઠકનો સમાવેશ થાય છે.ઙ્ગઆ એવી બેઠકો છે જેની પર કયા ઉમેદવારને ઉભા રાખવા તેને લઇને કોકડું ગૂંચવાયુ છે.

અમદાવાદ પૂર્વ બેઠક પરઙ્ગ ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરેશ રાવલ જીત્યા હતા. જો કે હવે પરેશ રાવલે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે તેમની જગાએ હવે કોને ટિકિટ આપવી તેનુ મનોમંથન હજુ ચાલી રહ્યુ છે. આ બેઠક પર છેલ્લે સીકે પટેલનુ પણ નામ ચર્ચાયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પરેશ રાવલે સમય નહિ ફાળવી શકતા હોવાનું કહીને ચૂંટણી લડવા ઇન્કાર કર્યો હતો.

બનાસકાંઠામા હરિભાઇ ચૌધરી વર્તમાન સાંસદ છે. આ બેઠક માટે હરિભાઈ ચૌધરી અને પરથીભાઈ ભટોળ મજબૂત દાવેદાર મનાય છે. અગાઉ આ બેઠક માટે શંકર ચૌધરી અને પરબત પટેલનું પણ નામ ચર્ચામાં હતુ.પરંતુ હવે શંકર ચૌધરી, પરબત પટેલે પણ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.

ભાજપે ગુજરાતની ર૬માંથી ૧૬ બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે. પરંતુ જે દસ બેઠકો બાકી રહી છે તેના કારણે પાટણ બેઠક પરથી હવે લીલાધર વાઘેલાને મોહભંગ થયો છે.

લીલાધર વાઘેલા પોતાના દીકરાને વિધાનસભાની ટિકીટ આપવાના મુદ્દે ભાજપ હાઈકમાન્ડ સામે બાંયો ચડાવેલી. અત્યારે પણ પોતાની લોકસભા બેઠક બદલીને પોતાને બનાસકાંઠામાંથી ઉભો રાખવા લીલાધર વાઘેલાની માંગ ઉઠાવે છે ત્યારે પાટણ બેઠક પર પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ભરતસિંહ ડાભીના નામ ચર્ચા છે વચ્ચેઙ્ગ ભાવસિંહ રાઠોડ અને જુગલ ઠાકોરના નામ પણ ચર્ચામાં ઉમેરાયા છે.

પંચમહાલ બેઠક પર વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની સાથે સી.કે. રાઉલજી, તુષાર રાઉલ અને નિમિષાબહેન સુથાર રેસમાં છે. આ બેઠકમાં પ્રભાતસિંહ સામે સ્થાનિક સ્તરે પણ અનેક ફરિયાદો થયાની વાત નિરીક્ષકોએ કહી હતી.

આગામી સુરત બેઠકનો પણ સમાવેશ થાય છે. સુરતમાં સાંસદ દર્શના જરદોષ ઉપરાંત સુરત શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલા, પૂર્વ મેયર અજય ચોકસી અને મહિલા અગ્રણી દર્શીની કોઠીયાએ દાવેદારી નોંધાવી છે.

આણંદ બેઠક પર વર્તમાન સાંસદ દિલીપ પટેલ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પૂર્વ ઉદ્યોગ મંત્રી દિલીપ પટેલ તથા પૂર્વ સાંસદઙ્ગ દિપક સાથીએ દાવેદારી નોંધાવી છે. આ બેઠક પર કોંગ્રેસે ભરતસિંહ સોલંકીને ટીકીટ આપી છે.

પોરબંદર બેઠક પર આ વખતે નાદુરસ્ત તબિયતને કારણે વિઠ્ઠલ રાદડીયા ચૂંટણીઙ્ગ લડવાના નથી. જો કે તેમના બદલે પુત્ર લલિત રાદડીયાનું નામ પેનલમાં આવ્યું છે. આ ઉપરાંત જશુબહેન કોરાટ અને મનસુખ ખાચરીયાનું નામ પણ પેનલમાં છે.જો કે વિઠ્ઠલભાઇ રાદડિયાનાં પુત્ર અને રાજય સરકારમાં મંત્રી જયેશ રાદડિયાનું નામ ચર્ચામાં આવેલ પણ તેમણે પોતે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યાનું જાણવા મળે છે.

(11:42 am IST)