Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

અમદાવાદમાં રૂ.૯૮ લાખના લૂંટ પ્રકરણમાં આરોપીઓની તસ્વીરો જાહેરઃ માહિતી આપનારને પોલીસ તંત્ર ઇનામ આપશે

અમદાવાદઃ થોડા દિવસ પહેલા અમદાવાદમાં રૂ.૯૮.૧૦ લાખની લૂંટ કરીને લૂંટારૂઓ નાસી છૂટ્યા હતાં. આ લૂંટના બનાવ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી કોઇ લૂંટારૂઓ ન ઝડપાતા પોલીસ વિભાગે આરોપીઓની તસ્‍વીરો જાહેર કરીને માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરી છે.

પોલીસને આરોપીની હજી સુધી સાચી ઓળખ પણ નહીં હોવાનું સામે આવ્યું છે. લૂંટ થયા બાદ આરોપી સુધી પહોચવામાં પોલીસ પાંગળી સાબિત થઇ રહી છે. પરંતુ ટેકનીકલી શાર્પ મનાતી ક્રાઈમ બ્રાન્ચને આરોપીનું લોકેશન નહિ મળી રહ્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સૂત્રધાર ડ્રાઈવર 98 લાખ રૂપિયા લઇને બાઇક પર બેસીને ફરાર થયો હોવાના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા છે. સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચ પણ આ કેસમાં તપાસ કરી રહ્યુ છે. અમદાવાદમાં 98.10 લાખની કેશવાનની ચોરી મામલે વસ્ત્રાપુર પોલીસે ફરાર બંને આરોપીઓના ફોટા જાહેર કર્યા છે. ઘટનાના ત્રણ દિવસ બાદ પણ પોલીસની તપાસ મંથર ગતિએ ચાલી રહી છે. ફરાર આરોપીઓનું પગેરું મેળવવા અને ચોરીની રકમ કબ્જે કરવામાં પોલીસને નિષ્ફળતા હાથ લાગતા પોલીસે આરોપીઓના ફોટા જાહેર કર્યા છે.

આરોપી ડ્રાઇવર સુધીની તસ્વીર તો પોલીસને હાથ પહેલેથી જ લાગી ગઇ છે પરંતુ હવે પોલીસે પુનિત અને મુકેશ નામના બે વ્યકિતની તસ્વીરો પણ જારી કરી છે. પોલીસે આ સનસનીખેજ 98 લાખની લૂંટના કેસમાં તપાસ કરતા પોલીસને જાણમાં આવ્યું છે કે આરોપી સુધીરે એક જ નંબરથી ખાત્રજના એક યુવક સાથે વાતચીત કરી હતી. જેથી પોલીસે હવે આ કેસના ત્રણેય આરોપી અંગે જાણકારી આપનારને યોગ્ય ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે એક મોબાઈલ નંબર પણ જાહેર કર્યો છે.ઘટનાના ત્રણ દિવસ બાદ પણ પોલીસની તપાસ મંથર ગતિએ ચાલી રહી છે,જોકે પોલીસની એક ટીમ હવે યુપી જવા રવાના થવાની છે.

(6:37 pm IST)