Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

કરજણ હાઇવે પર કાર-ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં સુરતના વેપારી સહીત બે વ્યક્તિએ ઘટનાસ્થળેજ જીવ ગુમાવ્યો

કરજણ: નેશનલ હાઇવે પર કીયા ગામના પાટીયા પાસે એક કાર અને ડમ્પર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં સુરતના પુના ખાતે રહેતા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સામાનના વેપારી અને ભત્રીજાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે.

જામનગર ખાતે સંબંધીના લગ્નપ્રસંગમાં હાજરી આપી પરત ફરતી વખતે થયેલા અકસ્માતમાં વેપારીની પત્ની અને બે પુત્રોનો બચાવ થયો હતો.

સુરતમાં યોગી ચોક ખાતે સાવન્ત બિલ્ડીંગમાં રહેતા હરેશ ભીખાભાઇ પીપરીયા (ઉ.વ.૪૨) બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના સામાનનો વેપાર કરે છે. તેઓ પરિવારના સભ્યો સાથે જામનગર લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા અને પ્રસંગ પુરો થતા તેઓ સ્વીફ્ટ ડિઝાયર કારમાં પરત સુરત જતા હતાં.

કરજણ નેશનલ હાઇવે નંબર-૪૮ પર કીયા ગામના પાટીયાના યુ ટર્ન પાસે અચાનક એક રીક્ષા આગળ આવી જતા તેને બચાવવા માટે કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઇ ભરૃચ-વડોદરા ટ્રેક પર સામેથી આવતા ડમ્પરમાં  ઘુસી જતા ગોઝારો અકસ્માત સર્જાતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં હરેશભાઇ અને તેમના ભત્રીજા દિયાલ અરવિંદભાઇ પીપરીયા (ઉ.વ.૧૯)નું ઘટનાસ્થળ પર કરૃણ મોત નિપજ્યુ હતું. જો કે હરેશભાઇની પત્ની શીલ્પા (ઉ.વ.૪૦) અને બે પુત્રો રીતુ (ઉ.વ.૧૪) તેમજ ક્રીશ (ઉ.વ.૭)નો આબાદ બચાવ થયો હતો.

અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો જ્યારે સુરતથી મૃતકના પરિવારજનો પણ કરજણ દોડી આવ્યા હતાં. અકસ્માતના પગલે ડમ્પર મુકી ચાલક ફરાર થઇ ગયો હતા.ે કરજણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:50 pm IST)