Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ખેતરમાં રિસેપ્શનઃ ઓર્ગેનિક ફૂડઃ સેલ્ફી ગાયો સાથેઃ અમદાવાદમાં યોજાયા અનોખા લગ્ન

પંગતમાં બેસી જમવાનું: ROને બદલે માટલાનું પાણીઃ કલાકારો દ્વારા ભારતીય સંસ્કૃતિ મુજબના વાદ્યો વગાડયા

અમદાવાદ તા. ૨૬ : આજકાલ લગ્નમાં દેખાડા વધી ગયા છે ત્યારે અમદાવાદમાં એક એવા લગ્ન યોજાયા કે તેમાં ભાગ લેનારા મહેમાનોના આશ્ચર્યનો પાર ન રહ્યો. સાયન્સ સિટીના રહેવાસી પ્રવીણભાઈ પટેલે તેમના ૨૭ વર્ષના પુત્ર ધવલ અને પુત્રવધુ સૃષ્ટિ માટે વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા લીલાપુર ગામના તેમના ખેતરના ગમાણમાં રિસેપ્શન યોજયું હતુ. પ્રવીણ ભાઈ પોતાની જાતને ગાયોના થેરાપિસ્ટ ગણાવે છે.

 

ત્યાં બધી વ્યવસ્થા ભારતીય પરંપરા મુજબ હતી. પંડાલની દીવાલો શણથી બનાવાય હતી. રિસેપ્શન એરિયામાં મહેમાનો માટે ચારપાઈ મૂકવામાં આવી હતી. તેમના મહેમાનોને પંગત પાડીને જમીન પર જમવાનું પીરસવામાં આવ્યું હતુ. RO પાણીને બદલે માટલાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રિસેપ્શનમાં ૭૦૦ જેટલા મહેમાનો આવ્યા હતા. મોડી સાંજે સ્થાનિક કલાકારોએ જલતરંગ અને તબલા જેવા પરંપરાગત વાદ્યો વગાડીને મહેમાનોના દિલ જીતી લીધા હતા.

પ્રવીણભાઈ અને તેમનો પુત્ર ધવલ પંચગવ્ય દવાઓની પ્રેકિટ્સ કરે છે. તેઓ ગાયના દૂધ, દહીં, ઘી, છાણ અને ગૌમૂત્રનો દવા બનાવવામાં ઉપયોગ કરે છે. અગાઉ જમીનની દલીલ સાથે સંકળાયેલા પ્રવીણભાઈ પાસે અત્યારે ૧૦ વીઘાનું ખેતર છે અને ત્યાં જ તેમણે રિસેપ્શનનું આયોજન કર્યું છે. તેમની પાસે ૨૦ ગાય છે. તે ગાયના છાણ તથા ગૌમૂત્રમાંથી ટૂથ પાવડર, નાકનું સ્પ્રે વગેરે પણ બનાવે છે અને તેમનો દાવો છે કે પંચગવ્ય દવાઓથી તેમણે અનેક રોગોનું નિદાન કર્યું છે.

પ્રવીણભાઈ જણાવે છે, 'અમે પ્રાણીઓને બહાર કાઢી ગમાણનો ઉપયોગ ભોજન બનાવવા માટે કર્યો. બાજુની જમીનનું રિસેપ્શન માટે લેવલિંગ કરવામાં આવ્યું હતું. અમે માત્ર ઓર્ગેનિક ફૂડ જ સર્વ કર્યું હતુ અને પ્લાસ્ટિકના ડિસ્પોઝિબલ વાસણોનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નહતો. મિનરલ વોટરને બદલે મહેમાનોને બોરવેલનું પાણી આપવામાં આવ્યુ હતુ. ઓર્ગેનિક ન હોય તેવું ભોજન ખાઈને આપણે આપણા લીવર અને કિડનીને નુકસાન પહોંચાડી રહ્યા છીએ.' તેમણે વધુમાં જણાવ્યું, 'હું અને મારો પુત્ર બંને પંચગવ્ય દવાની પ્રેકિટસ કરીએ છીએ એટલે તેને ગાયોના સહવાસમાં રિસેપ્શન આયોજન કરવા મનાવવો અઘરો નહતો. ઘણા સગાસંબંધીઓએ વિરોધ ઊઠાવ્યો કે  સ્ત્રીઓને નીચે બેસતા નહિ ફાવે. પણ મેં તેમને મનાવ્યા કે જમીન પર બેસીને જમવાની આદત તેમને ભવિષ્યમાં પણ મદદરૂપ નીવડશે.'

મહેમાનો સેલ્ફી લઈ શકે તે માટે ત્રણ ગાય અને બળદોને શણગારવામાં આવ્યા હતા. ધવલ કહે છે, 'મારો Mscનો ફાઈનલ યરનો પ્રોજેકટ જ ગૌમૂત્રના ઔષધીય ફાયદા વિષે હતો. મેં ગૌપૂજા શરૂ કરી. સૌથી સારી વાત એ છે કે મારી પત્ની અને તેના પરિવારને આ બાબતો ઘણી અલગ લાગે છે. મારા મિત્રોને આ રિસેપ્શન ઘણું ગમ્યું. કલાકારોએ સિતાર, જલતરંગ, તબલા અને વાંસળી વગાડી અને સંસ્કૃત શ્લોકો પણ બોલ્યા.'(૨૧.૯)

(10:21 am IST)