Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

વિરમગામ પંથકમાં 71 માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

દેશભક્તિના રંગે રંગાયુ વિરમગામ, પ્રજાસત્તાક પર્વ પર વિવિધ જગ્યાઓએ ધ્વજવંદન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેર, તાલુકા સહીત સમગ્ર વિરમગામ પંથકમાં 71 માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. વિરમગામ, માંડલ, દેત્રોજ દેશભક્તિના રંગે રંગાયા હતા અને પ્રજાસત્તાક પર્વ પર વિવિધ જગ્યાઓએ ધ્વજવંદન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

  વિરમગામ તાલુકા સેવા સદન મામલતદાર કચેરી, નગરપાલિકા સહિત વિવિઘ શાળાઓમા, સામાજીક સંસ્થાઓ, વિવિધ જગ્યાઓએ 71 મા પ્રજાસત્તાક પર્વ પર ધ્વજવંદન સહિતના કાર્યક્રમોમાં યોજાયા હતા. વિરમગામ તાલુકા કક્ષાનાના 71મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી વેકરીયા ગામ ખાતે કરાઇ હતી. વિરમગામ નાયબ કલેક્ટર સુરભિ ગૌતમ(આઇ.એ.એસ) ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વિરમગામ નગરપાલીકા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો અને નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંડ્યાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.  

   વિરમગામ શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા કે.બી.શાહ વિનય મંદિર મા શાળામાં ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. વિરમગામ શહેરના પાનચકલા વેપારી એસોસિયેશન દ્વારા ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું. વિરમગામ શહેરમાં ગોલવાડી દરવાજા બહાર સરદાર પટેલ પ્રતિમા પાસે મોટી સંખ્યામાં લોકો લોકોએ ઘ્વજવંદન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. વિરમગામ તાલુકાના જેતાપુર ગામ ખાતે 71માં પ્રજાસત્તાક દિવસ પર્વ પર ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે ધ્વજવંદન કર્યુ હતુ અને ભારતમાતાનુ પુજન કર્યુ હતું

  વિરમગામ નળકાંઠાના કાયલા પ્રાથમિક શાળા ખાતે 105 વર્ષના ગોબરબાઇ હાજીભાઇ સિદાણીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. વિરમગામ શહેરની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલય તથા શ્રી પરીક્ષિતલાલ મજમુદાર કન્યા છાત્રાલયમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. તાલુકાની જુનાપાઘર, નાનીકુમાદ, કરકથલ સહિત ના પ્રાથમિક શાળાઓમાં સાંસ્કૃતિક અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. મણિપુરા હાઇસ્કુલ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

  આ ઉપરાંત પ્રજાસત્તાક દિન નિમિત્તે,, વિરમગામ જીઆઇડીસી  હાંસલપુર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વે જીઆઇડીસી ના વેપારી મિત્રો અને કામદારો દ્વારા, રાષ્ટ્રીય પર્વની ભારે ઉત્સાહ અને આનંદ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એસોસિયેશનના પ્રમુખ મનસુખભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. સર્વે એ ધ્વજને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રગીત નું ગાન પણ કરવામાં આવ્યું હતું.  

  અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ માં ભારત માતા પૂજન નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, બધાયે કંકુ, ચોખા, ફૂલ દ્વારા ભક્તિભાવ પૂર્વક પૂજન કરવામાં આવેલ. પ્રમુખએ  એમના સંબોધનમાં જણાવ્યું કે, જીઆઇડીસી માં પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવવા નો છે, સ્વચ્છતા જાળવવામાં સહુ કોઈ જાગૃત થાય, જેમાં સર્વે સાથ અને સહકાર આપશે, એવી અપેક્ષા છે. જીઆઇડીસીમાં આ કાર્યક્રમ દ્વારા સ્નેહ અને એખલાસ નું રાષ્ટ્રવાદી વાતાવરણ સર્જાયું હતું.

(5:43 pm IST)