Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

રાજ્યમાં ઓમીક્રોનની એન્ટ્રી વચ્ચે સ્કૂલોમાં સંક્રમણ વધતાં વાલીઓની ચિંતામાં વધારો

અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સ્કૂલો બંધ કરાવાઈ

અમદાવાદ :કોરોના વિશેષજ્ઞ સમિતિ(કેરળ)ના સભ્ય ડૉ. ટીએસે કહ્યું કે ઓમિક્રોનના કેસોની સંખ્યા 2-3 સપ્તાહમાં 1000 સુધી પહોંચવાના આસાર છે.તેવામાં રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રી પછી કોરોનાના દૈનિક કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે, જેને કારણે તંત્ર પણ ચિંતિત બન્યું છે. આ સાથે ગુજરાતની સ્કૂલોમાં ફરી એકવાર સંક્રમણ વધતાં વાલીઓની ચિંતામાં વધારો થયો છે.

વલસાડ જિલ્લાના વલસાડ, પારડી અને વાપીની શાળામાં એક એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે. પારડીની શાળામાં ધો.12ની વિદ્યાર્થી પોઝિટિવ આવતા અન્ય 50 બાળકોનું પણ RTPCR ટેસ્ટિંગ કરાયું હતું. હાલ અન્ય સૂચના ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને શાળામાં ન આવવા જણાવાયું છે.

સુરતની વધુ 2 શાળામાં કોરોના કેસ નોંધાયા છે. પીપી સવાણી સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. પીપી સવાણીમાં બંને વિદ્યાર્થીઓ ધોરણ 10માં અભ્યાસ કરે છે. પીપી સવાણીમાં 380 લોકોનું ટેસ્ટિંગ કરાયું હતું. તમામ નેગેટિવ આવ્યા છે. ફાઉન્ટેન હેડ સ્કૂલમાં 1 વિદ્યાર્થી અને 1 શિક્ષક કોરોના પોઝિટિવ આવતાં 147 લોકોનું ટેસ્ટિંગ કરાયું. જોકે, તમામ નેગેટિવ આવ્યા છે. સલામતીના ભાગરૂપે વર્ગો બંધ કરાયા છે.

આ સિવાય રાજકોટના જેતપુર તાલુકાના અમરનગર સરકારી સ્કૂલમાં વિધાર્થીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમરનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધોરણ 2માં અભ્યાસ કરતા બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. DEOએ જેતપુરની અમરનગરની સ્કૂલને સોમવાર સુધી બંધ રાખવા આદેશ આપ્યા છે. જેતપુર હેલ્થ તંત્ર દ્વારા શિક્ષકો સહિત તમામ લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આ પહેલા 17મી ડિસેમ્બરના રોજ અમદાવાદના એસ.જી.હાઈવે પર છારોડી ખાતે આવેલી નિરમા વિદ્યાવિહાર સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા.

(7:50 pm IST)