Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ગાંધીનગરમાં એનેસ્થેસિયા વિભાગના તબીબે નસમાં ઇન્જેક્શન લઇ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો

ગાંધીનગર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી મેડીકલ કોલેજની પીજી હોસ્ટેલના સાતમાં માળે રહેતાં એનેસ્થેસિયા વિભાગના તબીબે ગઈકાલે પોતાની નસમાં ઈન્જેકશનનો ઓવરલોડ લઈને આપઘાત કરી લીધો હતો. સિવિલના તબીબોએ સવારથી ફોન કરવા છતાં ફોન નહીં ઉપાડતાં કાંઈક અજુગતું બન્યાનો અંદાજ આવ્યો હતો ત્યારે રૃમમાં તપાસ કરતાં તેમનો મૃતદેહ પડયો હતો. આ અંગે સે-૭ પોલીસે સ્થળ ઉપર પહોંચીને અકસ્માત મોતનો ગુનો નોંધીને આપઘાતનું કારણ જાણવા માટે તપાસ શરૃ કરી છે.   

ગાંધીનગર મેડીકલ કોલેજમાં એનેસ્થેસિયા વિભાગમાં ફરજ બજાવતાં તબીબે હોસ્ટેલના રૃમમાં આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સિવિલમાં ફરજ બજાવતાં મુળ ઉંઝાના મકતુપુરાના અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા ડો.વિનય હરેશકુમાર જાની ઉવ.૩ર મેડીકલ કોલેજની પીજી હોસ્ટેલના સાતમા માળે રહેતા હતા. ગઈકાલે સવારના સમયે તેઓ ફરજ ઉપર આવ્યા નહોતા. જેથી સ્ટાફના માણસોએ તેમના મોબાઈલ ઉપર ફોન કર્યા હતા પરંતુ રીસીવ થયા નહોતા. સાંજ સુધી તેમનો કોઈની સાથે સંપર્ક નહીં થતાં કાંઈક અજુગતું બન્યાનો અંદાજ હોસ્પિટલ સ્ટાફને આવ્યો હતો. જેના પગલે રૃમ ઉપર પહોંચીને તપાસ કરતાં તબીબ મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેમણે ઈન્જેકશનનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યાનું લાગ્યું હતું. જેથી આ મામલે સે-૭ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી જયાંથી તબીબના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. આ તબીબે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે હજી જાણી શકાયું નથી ત્યારે સે-૭ પોલીસે રૃમની તપાસ કરવા છતાં કોઈ ચીઠ્ઠી પણ નહીં મળ્યાનું જાણવા મળી રહયું છે. તેમના મોબાઈલ ફોનની પણ પોલીસ દ્વારા તપાસ કરીને કારણ જાણવા માટે મથામણ કરવામાં આવી રહી છે.

(5:44 pm IST)