Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સમગ્ર ગુજરાતમાં કોલ્ડવેવ, શહેરોનું તાપમાન ૧૨ ડિગ્રી

શિયાળો તેનો અસલ મિજાજ બતાવી રહ્યો છે : દક્ષિણ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થવાના લીધે દરિયામાં મોટો કરંટ : માછીમારોને ચેતવણી અપાઈ

અમદાવાદ, તા. ૨૫ : શિયાળો હવે અસલ મિજાજ બતાવી રહ્યો હોય તેમ ગાત્રો થિજવી દેતી ઠંડી પડી શરૂ થઇ ગઇ છે. જમ્મુ-કશ્મીર સહિત ઉત્તર ભારતમાં પડી રહેલી અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થિજવી દેતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. ગુરુવારે સમગ્ર રાજ્યમાં કોલ્ડ વેવ ફરી વળ્યું હતું અને મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ પહોંચી જતા કડકડતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેના કારણે દરિયામાં મોટો કરંટ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ૨૮ અને ૨૯ ડિસેમ્બરે ગુજરાતમાં કાતિલ ઠંડી વધશે, જેથી લોકો ફરી એકવાર કાતિલ ઠંડીનો સામનો કરવા માટે જણાવ્યું છે. આજે ૭.૮ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ગાંધીનગરનું તાપમાન ઘટી ૯.૮ ડિગ્રીએ પહોંચી જતા લોકોએ ગાત્રો થિજવી દેતી ઠંડીનો અહેસાસ વહેલી સવારે કર્યો હતો. જ્યારે અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં ૯.૮, અમદાવાદમાં ૧૧.૮ ડિગ્રી, ડીસામાં ૧૧.૨, કંડલા એરપોર્ટ ૧૧.૫ ડિગ્રી, ભુજમાં ૧૨.૪, પોરબંદરમાં ૧૨.૧ ડિગ્રી, રાજકોટ ૧૨.૫, વડોદરામાં ૧૩ ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં કોલ્ડ વેવ અને ઉત્તર પૂર્વીય પવનને કારણે ઠંડા પવન ફૂંકાતા વર્તમાન ઠંડીનું મોજુ યથાવત્ રહેશે.

દેશના ઉત્તરીય ભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઇ રહી છે. ત્યારે ઉત્તર દિશા તરફથી ઠંડા-સૂકા પવન ગુજરાત તરફ આવી રહ્યાં છે જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે અને કડકડતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં એક લઇ છ ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. ગુરુવારે રાજ્યના વિવિધ શહેરના તાપમાન પણ ૧૨ ડિગ્રી આસપાસ રહેતા જોરદાર ઠંડી વર્તાઇ હતી. ઠંડી વધવાની સાથે વહેલી પરોઢે ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું જેના કારણે રાજ્યના વિવિધ ધોરી માર્ગો પર સવારે ૨૦૦ મિટર દૂરનું પણ દૃષ્ય સાફ ન દેખાતા વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આગામી ૨૪ કલાક દરમિયાન અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

બીજી તરફ ગુજરાતીઓના ફેવરિટ માઉન્ટ આબુમાં થીજવી દેતી ઠંડી રહી છે. દેશના ઉત્તરીય ભાગમાં બરફ વર્ષાના કારણે રાજસ્થાન સહિત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. સતત છ દિવસ તાપમાન માઈનસમાં નોંધાયા છે. છેલ્લા ૧૦ દિવસથી, માઉન્ટ આબુ પર સવારે ઝાકળનાં ટીપાં બરફમાં ફેરવાઈ રહ્યાં છે. બુધવારે અહીં લઘુતમ તાપમાન ૦.૪ ડીગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન ૨૧ ડીગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં આજ રાતથી લઘુત્તમ તાપમાન ગગડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતથી આગળ વધતા ઠંડીનું પ્રમાણ વધશે. ૩ દિવસ કડકડતી ઠંડી પડવાની હવામાનની આગાહી છે.

(8:48 pm IST)