Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

વધુ બિલ વસૂલનારી સિમ્સ હોસ્પિટલને પાંચ લાખનો દંડ

લોકોને લૂંટણી હોસ્પિટલો માટે ચેતવણી આપતા પગલાં : હોસ્પિટલે ૩૨ દિવસની સારવારના ૧૭.૭૬ લાખ વસૂલ્યા, દંડ ન ભરે તો હોસ્પિટલનું સી ફોર્મ રદ કરાશે

અમદાવાદ, તા. ૨૫ : સોલામાં આવેલી સીઆઈએમએસ હોસ્પિટલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૩૨ દિવસ સુધી દાખલ રહેલા કોરોનાના દર્દી પાસેથી હોસ્પિટલે ૧૭.૭૬ લાખ રૂપિયા વસૂલ્યા હતા. દર્દીને મસમોટું બિલ પકડાવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (અમપા) હોસ્પિટલને દંડ ફટકાર્યો છે. ગુરુવારે અમપાએ હોસ્પિટલને સાત દિવસમાં દંડ ભરવાનું કહ્યું છે અથવા અમપા હોસ્પિટલનું સી-ફોર્મ રદ્દ કરી દેશે, જે રજિસ્ટ્રેશન માટે જરૂરી છે.

અમપાના ઓર્ડરમાં જણાવ્યા અનુસાર, ૨ જુલાઈના રોજ અતુલ શાહ નામના એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ઈન્ડોર પેશન્ટ તરીકે તેમને હોસ્પિટલના પ્રાઈવેટ ક્વોટા બેડમાં દાખલ કરવામાં આવ્યા હતા માટે સારવારનો ખર્ચ ચૂકવવો જરૂરી હતો. ૪ ઓગસ્ટે જ્યારે અતુલ શાહ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા ત્યારે તેમને ૧૭.૭૬ લાખ રૂપિયાનું બિલ પકડાવામાં આવ્યું હતું.

અતુલ શાહના ભાઈ કલ્પેશ શાહે બિલ ભર્યા પછી કોર્પોરેશનમાં ફરિયાદ કરી કે, હોસ્પિટલે કોવિડની સારવાર માટે વધુ પડતું બિલ આપ્યું છે. અમપાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દર્દીને ૧૯ દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. અમપાના સ્પેશિયલ ડ્યૂટી ઓફિસર ડૉ. મનીષ કુમાર બંસલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તપાસ બાદ સ્પષ્ટ થયું કે, હોસ્પિટલે દર્દી પાસેથી વધુ પડતો ચાર્જ વસૂલ્યો છે. ઈક્ન્વાયરી રિપોર્ટ પ્રમાણે, અમપાએ નક્કી કરેલા ચાર્જ ઉપરાંત હોસ્પિટલે પ્રતિ દિવસ ૫,૨૦૦ રૂપિયા 'એડ ઓન ચાર્જ' લીધો હતો, જે અમપાના આદેશ પ્રમાણે અયોગ્ય છે. આ સિવાય હોસ્પિટલે સીબીસી, સીરમ ક્રિએટિનાઇન જેવા બેઝિક ટેસ્ટ માટે પણ ચાર્જ લીધો હતો. આ ચાર્જ અમપાએ નક્કી કરેલા ચાર્જમાં પહેલાથી જ સમાવિષ્ટ હતો.

આ ઉપરાંત હોસ્પિટલ દરેક ડૉક્ટરની વિઝિટ પર ૫,૫૦૦થી ૭,૫૦૦ રૂપિયા ચાર્જ વસૂલતી હતી. તદુપરાંત રૂટિન દવાઓ અને તપાસવાના ચાર્જ પણ કોર્પોરેશને નિર્ધારિત કરેલા ચાર્જ કરતાં વધુ વસૂલ્યા હતા. રિપોર્ટ પ્રમાણે, હોસ્પિટલે ૨ડ્ઢ ઈકો માટે ૬,૪૦૦ રૂપિયા, આઈએલ-૬ ના સિંગલ ટેસ્ટ માટે ૪,૯૦૦ રૂપિયા અને પીસીટીમાટે ૩,૯૦૦ રૂપિયા વસૂલ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ મોકલીને હોસ્પિટલ પાસેથી સ્પષ્ટતા માગી હતી. જો કે, હોસ્પિટલનો જવાબ સંતોષકારક ના લાગતા તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો.

(8:46 pm IST)