Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

હિતુ કનોડીયાએ પિતા નરેશ કનોડીયાના ‘સાજન તારા સંભારણા' ટાઇટલ સોંગને ફરીથી રિક્રિએટ કરીને શ્રદ્ધાંજલી અર્પી

અમદાવાદ: વર્ષ 2020ના આ નવા સુપરહીટ ગુજરાતી ગીતને હરેશભાઇ પટેલે પ્રોડ્યુસ અને ડાયરેક્ટ કર્યું છે અને જાણીતા ગાયકો હિમાંશુ બારોટ અને નયના શર્માએ તેને સ્વર આપ્યો છે. મ્યુઝિક ડાયરેક્ટર મૌલિક મહેતાએ તેને કમ્પોઝ કર્યું છે. આ ગીત નરેશ કનોડિયાની વર્ષ 1985ની સુપરહીટ ફિલ્મ સાજન તારા સંભારણાના ટાઇટલ સોંગને ફરીથી રિક્રિએટ કર્યુ છે. આ ફિલ્મનું ડાયરેક્શન ગોવિંદ પટેલે કર્યું હતું, જેમાં નરેશ કનોડિયા, સ્નેહલતા ગડકરી અને અરવિંદ રાઠોડ મુખ્ય ભૂમિકામાં હતાં. મૂળ ગીતનું મ્યુઝિક નરેશ કનોડિયાએ પોતે કમ્પોઝ કર્યું હતું.

આ નવા વિડિયોમાં ગુજરાતી રેપર અને લોકગાયક અરવિંદ વેગડા પણ જોવા મળશે, જેઓ કલાકારોની સાથે રેપનો થોડો હિસ્સો ગાઇ રહ્યાં છે, જેનાથી ગીત આજના યુવાનો અને દર્શકોને ગમી રહ્યું છે. ગુજરાતી સિનેમાના મનમોહન દેસાઇ તરીકે જાણીતા ગોવિંદ પટેલ અને નરેશ કનોડિયાની જોડીએ વર્ષ 1980થી 1990 દરમિયાન નોન-સ્ટોપ હીટ્સ આપ્યાં હતાં. મહત્વપૂર્ણ છે કે ગોવિંદ પટેલના પુત્ર હરેશભાઇ પટેલ આ 2020 મ્યુઝિક વિડિયોના પ્રોડ્યુસર છે.

ગુજરાતી અભિનેતા અને રાજકારણી હિતુ કનોડિયાએ બાળ કલાકાર તરીકે તેમની ફિલ્મી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને તેમણે આજની તારીખમાં 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ ઉપરાંત લોકપ્રિય અભિનેત્રી મમતા સોનીએ પણ ઘણી ગુજરાતી ફિલ્મો અને ટીવી સીરિયલમાં અભિનય કર્યો છે. આ નવો મ્યુઝિક વિડિયો જૂના ગીતના મૂળ સાર અને જાદૂને જાળવી રાખવા માટે નવા ડાન્સ સ્ટેપ્સ અને મ્યુઝિક કોમ્પોઝિશન કરવામાં આવ્યું છે. તેના કલાકારો મૂલ ગીતને સ્ટેપ-બાય-સ્ટેપ અનુસરવાની સાથે-સાથે ગીતમાં પોતાનો વિશિષ્ટ ટચ પણ આપવામાં આવ્યો છે.

અલ્ટ્રા ઇન્ડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ ગ્રૂપના સીઇઓ સુશીલકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમે નરેશ કનોડિયાજી અને ગોવિંદ પટેલજી જેવાં મહાન કલાકારોના ભૂતકાળના કામો અને જાદૂને વર્તમાન પેઢીને અનુરૂપ રિક્રિએટ કરવા માટે ભાગીદારી કરતાં અત્યંત ખુશી અનુભવીએ છીએ. નરેશજીએ ઘણાં સુપરહીટ ગુજરાતી ગીતોને અમર બનાવ્યાં છે અને અલ્ટ્રા કેટલાંક હીટ ગીતોને રિક્રિએટ કરશે. અમને વિશ્વાસ છે કે સાજન તારા સંભારણા 2020 આ ડિસેમ્બર અને નવા વર્ષમાં લોકો વચ્ચે લોકપ્રિય બનશે. અલ્ટ્રા મ્યુઝિક ક્ષેત્રે ફરીથી હલચલ મચાવી રહ્યું છે અને અમે ગુજરાતી, મરાઠી, હિન્દી, પંજાબી અને બંગાળી ભાષાઓમાં નવા કોન્સેપ્ટ રજૂ કરીશું.

આ અંગે હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, “ઓરિજનલ સોંગનો જાદૂ અજોડ છે અને તેની તુલના કરી શકાય નહીં કારણકે મારા પિતાએ પોતાની વિશિષ્ટ શૈલીથી તેને શ્રેષ્ઠ બનાવ્યાં છે. મને વિશ્વાસ છે કે ઓરિજનલ સોંગની માફક આ નવું સોંગ પણ હીટ થશે કારણકે જૂના ગુજરાતી ગીતો આપણી સંસ્કૃતિના રત્ન છે અને તેને નવી પેઢી સુધી પહોંચાડવા જરૂરી છે.

(5:14 pm IST)