Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

વડોદરા શહેરમાં કોરોના રસી માટે કોર્પોરેશનદ્વારા 80ટકા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી

વડોદરા:શહેરમાં કોરોનાની રસી માટે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં છેલ્લા 12 દિવસથી રસીકરણ માટે સર્વે ચાલી રહ્યો છે. તારીખ 24 સુધીમાં કુલ 2,48,562 લોકોની નોંધણી કરવામાં આવી છે. કોર્પોરેશનની 823 ટીમ આ સર્વે માટે કામે લગાડવામાં આવી છે અને 80.4 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. 

કોર્પોરેશનનો ટાર્ગેટ 3,08,994 છે. જેની સામે 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 3,04,833ના ટાર્ગેટ સામે 2,35,492ની એટલે કે 77.3 ટકા નોંધણી થઈ ગઈ છે. 50 વર્ષથી નીચેના પરંતુ જુદી- જુદી ગંભીર બીમારી ધરાવતા હોય તેવા 4161ના ટાર્ગેટની સામે 13,070 એટલે કે 314 ટકા નોંધણી થઈ ગઈ છે. 

રસીકરણ માટે જે ડેટા મળશે તે હાલ વડોદરા કોર્પોરેશન પોતાની પાસે રાખશે અને જ્યારે સરકાર રસીકરણ માટે માગશે ત્યારે તે સરકારને સુપરત કરાશે. વડોદરા જિલ્લામાં સર્વેની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. જેમાં 2,72,678 લોકોની નોંધણી થઈ ગઈ છે. એમાંથી 2,69,054 લોકો 50 વર્ષથી વધુ ઉંમરના છે. જ્યારે 3,624 લોકો 50 વર્ષથી નીચેની ઉંમરના છે. જેઓ કેન્સર, હૃદયરોગ, કિડની, વગેરે... જેવી ગંભીર બીમારીઓ જેવા સહ રોગોથી પિડિત છે. 

(4:57 pm IST)