Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

વડોદરા:કારેલીબાગ વિસ્તારમાં બેન્ક દ્વારા સીલ કરેલ મકાનનું સીલ તોડી ઘરમાં સામાનનો ઉપયોગ કરતા દંપતી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

વડોદરા:શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ શ્રીપાદનગર સોસાયટીમાં બેંક દ્વારા સીલ મારવામાં આવેલ મકાનનું સીલ તોડી ઘરમાં પ્રવેશી સામાનનો ઉપયોગ કરતા દંપતી સામે કારેલીબાગ પોલીસે લેન્ડ ક્રાબિંગ ની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, શહેરના અટલાદરા રોડ ઉપર રહેતા અને બેંક ઓફ બરોડામાં ચીફ મેનેજર તરીકે નોકરી કરતા નિતેશકુમાર શર્માએ ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ બેંક તરફથી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ થઈ હતી. જેના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટથી સિક્યુરિટરાઇઝેશન એન્ડ રિકસ્ત્રક્તિઓન ઓફ ફાઈનાન્સિયલ એસેટ એન્ડ ઇન્ફોસમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ હેઠળ કારેલીબાગના શ્રીપાદનગર મકાન નંબર સી ૯ વાડી મિલકતનો પ્રત્યક્ષ કબજો બેંક ઓફ બરોડાની રાવપુરા શાખા ને સુપ્રત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે પંચકયાસ કરી સીલ કરી પોલીસની હાજરીમાં કાર્યવાહી મુજબ કબજો મેળવ્યો હતો. દરમિયાન આરોપી રાજેશ આર. પટેલ અને ચંપા આર. પટેલ (બંને રહે- સી -૯ શ્રીપાદનગર ,વીઆઇપી રોડ ,કારેલીબાગ) એ અગાઉ કબજા વાળી મિલકતનું સીલ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો .અને તે બાબતે બેંક તરફથી કાયદેસરની કાર્યવાહી માટેની અરજી વર્ષ 2017 દરમિયાન આપવામાં આવી હતી. આમ, મામલતદાર તથા કલેકટરના હુકમ મુજબ સોપવામાં આવેલ બેંકની મિલકતનું સીલ તોડી પ્રવેશી બેંકની મિલકતનો ગેરકાયદેસર ઉપયોગ અંગે ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

(6:30 pm IST)