Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

સુરતના સચિન જીઆઈડીસીમાં એટીએમને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કરતી ટોળકીનો પ્રયાસ નિષ્ફ્ળ

સુરત: સચિન જીઆઇડીસીના રોડ નં. 7 પર આવેલા એક્સીસ બેંકના એટીએમના ત્રાટકેલી ચોર ટોળકીએ કેમેરા અને એટીએમ તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યાની ફરીયાદ સચિન જીઆઇડીસી પોલીસમાં નોંધાય છે. સચિન જીઆઇડીસીના રોડ નં. 7 પર આવેલા એક્સીસ બેંકના એટીએમમાં ગત રાતે ઘાડપાડુઓ ત્રાટકયા હતા. રાતે 12.45 કલાકે ત્રાટકેલી ચોર ટોળકીએ એટીએમના સીસીટીવી કેમેરા તોડી એટીએમની સિલીંગ શીટ અને કોસ્મેટીક ડોર તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એટીએમને સંર્પૂણ રીતે તોડવામાં સફળતા મળી ન હતી. ઉલ્લેખનીય છે કે ચોર ટોળકી એટીએમમાં ઘુસી તોડફોડ કરી રહી હતી ત્યારે એક્સીસ બેંકમાં કેશ લોડ કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી હિટાચી પેમેન્ટ પ્રા. લિ. કંપનીના ચેનલ મેનેજર અનિલ રમેશ પટેલ (ઉ.વ. 32 રહે. અંભેટા ગામ, તા. ગણદેવી, જિ. નવસારી) ના મોબાઇલમાં એલર્ટ રીંગ વાગી હતી. અનિલે ફોન રિસીવ કર્યો હતો પરંતુ અવાજ નહીં આવતા સામેથી કોલ પણ કર્યો હતો. જો કે બીજા દિવસે સવારે બેંકના દિલ્હી સ્થિત સર્વર રૂમના સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ અંગેની જાણ અનિલ પટેલને કરવામાં આવતા આજે સચિન જીઆઇડીસી પોલીસમાં એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરનાર ટોળકી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

(6:50 pm IST)