Gujarati News

Gujarati News

News of Tuesday, 25th October 2022

દિવાળી બાદ અમદાવાદ શહેરના નવરંગપુરા, સેટેલાઇટ, ચંદખેડામાં હવા અતિ પ્રદુષિત

અમદાવાદ શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ 293એ પહોંચ્યો છે. જે દર્શાવે છે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે

Photo: Pollution
અમદાવાદ: શહેરમાં હવા કેવી અને કેટલી શુદ્ધ છે? તેના માટે અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગ દ્વારા એર ક્વોલેટી મોનિટરીંગ સિસ્ટમ મૂકવામાં આવી છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં AQMS મૂકવામાં આવ્યા છે. તેમજ લોકોને પણ વાતાવરણની માહિતી મળી રહે તે માટે સ્ક્રીન મૂકવામાં આવી છે. જેમાં હવા કેટલી શુદ્ધ છે, તે દર્શાવવામાં આવી રહ્યું છે. આજે  AQMS પર અમદાવાદ શહેરની હવા  પ્રદૂષિત બતાવી રહી છે. જેના કારણે શ્વાસ અને અસ્થમાના દર્દીઓએ કારણ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ.
અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ સામાન્ય રહે છે. જોકે, દિવાળીના તહેવાર બાદ હવામાં પ્રદૂષણ પ્રમાણ વધી જાય છે. એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ અમદાવાદની હવામાં પ્રદૂષણ પ્રમાણ વધી રહ્યું હોવાનું દર્શાવી રહી છે. અમદાવાદ શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ 293એ પહોંચ્યો છે. જે દર્શાવે છે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે.
અમદાવાદ શહેરના નવરંગપુરા, સેટેલાઇટ, ચંદખેડામાં હવા અતિ પ્રદુષિત છે. નવરંગપુરા pm2.5, *374*  પર છે. જ્યારે સેટેલાઇટમાં pm2.5, *346*  પર છે. ચંદખેડામાં pm2.5, *316*  પર છે. અમદાવાદ એરપોર્ટ વિસ્તારની હવા શુદ્ધ બતાવી રહ્યું છે. બોપલ, પીરાણા, રાયખડ, રખિયાલ, ગિફ્ટ સિટી વિસ્તારની હવા પણ પ્રદુષિત છે. એટલે કે અમદાવાદ શહેરની હવા પ્રદૂષિત થતી જાય છે. જેમ જેમ હવામાં રજકણો ભળતા જશે તેમ તેમ પ્રદૂષણ વધી જશે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોકટર રાકેશ જોષીએ જણાવ્યું છે કે, ફટાકડાથી ધ્વનિ પ્રદૂષણ સાથે-સાથે ધુમાડો પણ ફેલાતો હોય છે. જેમને ધુમાડાની એલર્જી હોય તેમને મુશ્કેલી થઇ શકે છે. જોકે, ગત વર્ષની સરખામણીએ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. લોકો હવે તકેદારી રાખતા થયા છે અને જો અસ્થમા અથવા તો ધુમાડાની એલર્જી હોય તેવા લોકોએ માસ્ક પહેરીને બહાર નીકળવું જોઈએ. જેથી પ્રદૂષિત હવાથી મુશ્કેલી ન થાય.
 

(5:26 pm IST)