Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

સિંહોના મોત મામલે હાઇકોર્ટે સ્વયંભુ સુઓમોટો કાર્યવાહી હાથ ધરી

કોર્ટ મિત્રએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો :સિંહોની પ્રાકૃતિક ટેરીટરી ઘટી રહી છે, જેને મોટું કરવાનું સૂચન અપાયું

અમદાવાદ :ગુજરાત એશિયાટિક સિંહ માટે જાણીતું છે ત્યારે સિંહોના અકાળે મૃત્યુ થતા હોવાના સમાચારો માધ્યમોમાં આવતા આ સમગ્ર મુદ્દે હાઇકોર્ટે સ્વયંભુ સુઓમોટો કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કોર્ટમિત્રએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં સિંહોની પ્રાકૃતિક ટેરીટરી ઘટી રહી છે, જેને મોટું કરવાનું સૂચન અપાયું છે અગાઉ કોર્ટે સરકારને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું. જે અંતર્ગત સરકારે સોગંદનામું પણ કર્યું હતું.

રાજ્યમાં સિંહોના થઇ રહેલા અકુદરતી મોત મામલે ખુદ હાઇકોર્ટે જ સ્વયંભૂ સુઓમોટો અરજી દાખલ કરી હતી. આ જાહેરહીતની અરજી મામલે હાઇકોર્ટમાં એમિક્સ ક્યુરી એટલે કે કોર્ટમિત્રોએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું કે ચેઇન ફેન્સિંગના કારણે સિંહોની પ્રાકૃતિક ટેરીટરી ઘટી રહી છે, તેને મોટું કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. તો અભ્યારણ વિસ્તારમાં આવેલી વીજળીના તારોનું ફેન્સિંગ કરનાર ખેડૂતો સામે કાર્યવાહી પણ કરવાનો અનુરોધ કરાયો છે.

   કોર્ટમિત્રએ પોતાના રિપોર્ટમાં કેટલાક સૂચનો દર્શાવ્યા હતા. જેમાં સૌથી મોટું સિંહોના મોતના કિસ્સામાં ક્રિમિનલ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની ભલામણ કરવામાં આવી છે. ખાસ કરીને અભ્યારણ્ય વિસ્તારમાં આવેલા ખેતરોમાં વીજળીના તારોથી ફેન્સીંગ કરનારા ખેડૂતો સામે કડક કાર્યવાહી કરવી, જેવી કે આવા ખેડૂતોની વીજળીનું ક્નેક્શન ત્રણથી છ મહિના સુધી કાપી નાખવા અને જો જનરેટર હોય તો તે જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે. વાઘ દીઠ નવ લાખ રૂપિયા અને સિંહ દીઠ 95 હજાર રૂપિયાના ફંડના એલોકેશનની વિસંગતતા દૂર કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે.

   તાજેતરમાં ૧૩ જેટલા સિંહોના મોતના મામલે પણ આગામી સુનાવણીમાં રજૂઆત કરાશે. સિંહોના સંવર્ધન માટે દોઢસો કરોડ રૂપિયાના ફંડ એલોકેશનની રાજ્ય સરકારની અરજી કરાઇ હતી પણ હાલની કેન્દ્ર સરકારમાં પેન્ડિંગ છે. અગાઉ યુપીએ સરકારે 234 કરોડ રૂપિયા ફગાવી હતી, single species માટે આટલું ફંડ ન આપી શકાય તેવું તત્કાલીન કેન્દ્ર સરકારે કહ્યું હતું. આ સિવાય ગીર અભ્યારણ્ય વિસ્તારમાં 50,517 કુવાઓને ઢાંકવા માટેની વ્યવસ્થા અંગેની સરકારની કામગીરી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અન્ય સૂચનમાં જંગલ વિસ્તારમાં પસાર થતા રસ્તા કે હાઇ વે પર 500 મીટર પર સ્પીડ ગન અને કેમેરા લગાવવા અંગે સૂચન કરવામાં આવ્યું છે.

આ કેસમાં એવી હકીકત સામે આવી હતી કે એક ન્યૂઝ પેપરમાં બે વર્ષમાં થયેલા સિંહોના મોત મામલે અહેવાલ આવ્યો હતો. જેમાંથી 30થી વધુ સિંહોના મોત અપ્રાકૃતિક હોવાનું પણ સામે આવ્યું હતું. આ લેખને હાઇકોર્ટ સમક્ષ એક પત્ર મારફતે છઠ્ઠી માર્ચના રોજ જસ્ટિસ એ.એસ. દવેને મોકલાયો હતો. તેથી સિંહોના મૃત્યુ પાછળનું સત્ય શું છે તે જાણવા સુઓમોટો કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(12:11 am IST)