Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

મેઘરાજાની 'કંજૂસાઇ': રાજયમાં વરસાદી ઘટ ર૬%

રાજયમાં સરેરાશ ૬પ૮ મીમી વરસાદ પડે છે તેને બદલે આ વખતે પડયો ૪૮૪ મી. મી.: હવામાન ખાતુઃ ર૦૧ર બાદ સૌથી ઓછો વરસાદ પડયોઃ પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઘટ ચિંતાજનક

અમદાવાદ તા. રપ :.. રાજયની સરેરાશ ૬પ૮ મી. મી. વર્ષો સામે ચાલુ વર્ષે ૪૮૪ મી. મી. વરસાદ ગુજરાતમાં થયો છે જે ભારતીય હવામાન વિભાગના આંકડાઓ અનુસાર ર૬ ટકા ઓછો છે.

 

હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે ર૦૧ર થી અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ ભારતભરમાં થયો છે. હવામાન વિભાગના આંકડાઓ પ્રમાણે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ર૦૧ર માં ૬૪૭ મી. મી. ની સરખામણીએ આ વર્ષે ૩૧૧ મી.મી. વરસાદ થયો છે.

સોમવારે ઉભી થયેલી નવી સીસ્ટમ અંગે જણાવતા હવામાન વિભાગના અધિકારીઓ જણાવે છે કે રાજયમાં નજીકનાં ભવિષ્યમાં વધુ વરસાદ થાય તેવી શકયતાઓ દેખાતી નથી. સોમવારે ફકત મહેસાણાના બેચરાજીમાં પ૪ મી. મી. વરસાદ પડયો હતો.

વર્ષાઋતુ પુરી થવાની શરૂઆત થઇ ચુકી છે. અને રાજયમાં આ ઘર પુરવા માટે વરસાદની જરૂર છે.

આ વર્ષે રાજયમાં વરસાદની પેટર્ન વિચીત્ર છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારમાં જ મોટા ભાગે વરસાદ થયો છે. જયારે ઉતર અને મધ્ય ગુજરાત તથા કચ્છ કોરા રહી ગયા છે. એમ હવામાન વિભાગના અધિકારીએ કહયું હતું.

ઉચ્ચ અધિકારીઓનું માનવું છે આ વર્ષના વરસાદે પાકને તો અસર કરી જ છે પણ તે વોટર મેનેજમેન્ટ ને પણ અસર કરશે. પણ મધ્ય ભારતમાં સારો વરસાદ થયો હોવાથી નર્મદા ડેમનું જળ સ્તર ઉંચુ છે તે એક સારી બાબત છે. (પ-૧૬)

(12:46 pm IST)