Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

સાબરમતી મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદીઓની ધમાલ : જેલ સહાયકો સાથે ઝપાઝપી કરી : વર્ધીનો સોલ્ડર બેઝ તોડી નાખ્યો

જેલ સહાયકે રાણીપ પોલીસ સ્ટેશનમાં કેદીઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ : સાબરમતી મધ્યસ્થ જેલમાં દવાખાના ખાતે આરોપીઓ ટોળુ કરીને એકઠા થયા હતા. જેથી જેલ સહાયકે 10-10 ના ગ્રુપમાં દવાખાના ખાતે જવાનું કહ્યુ હતું. જેથી ઉશ્કેરાયેલા 10 કાચા કામના કેદીઓએ જેલ સહાયકો સાથે જપાજપી કરીને જેલ સહાયકની વર્ધીનું સોલ્ડર બેઝ તોડી નાખ્યો હતો. આ અંગે જેલ સહાયકે રાણીપ પોલીસ સ્ટેશનમાં કેદીઓ  વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.

અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે જેલ સહાયક તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા વનરાજસિંહ દેવડા રાઉન્ડ પુર્ણ કરી દવાખાના તરફ ગયા હતા. જ્યાં જેલ દવાખાના ખાતે આરોપીઓનું 100નું ટોળુ એકઠુ થયું હતું. જેથી આરોપીઓને 10 – 10 ના ગ્રુપમાં દવાખાના ખાતે જવા માટે જણાવ્યું હતું. આ દરમિયાન કાચા કામના આરોપી તરીકે રહેતા રઈસખાન પઠાણ તેના સહ આરોપીઓ સાથે ભેગા મળીને બોલાચાલી કરીને હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા. જેથી વનરાજસિંહે તેમના જેલના સહાયકોને બોલાવીને આરોપીઓને સર્કલ યાર્ડની આસપાસ લઈ જવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા.

ત્યારે દસ કાચા કામના આરોપીઓ વનરાજસિંહ તથા સહાયકો સાથે હાથાપાઈ કરીને ધક્કામુકી કરી વર્ધીનું સોલ્ડર બેઝ તોડી નાખ્યું હતું. જેલના વધુ સહાયકો અને રાણીપ પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી પહોંચતા આરોપીને તેમના યાર્ડમાં મોકલી આપ્યા હતા. બાદમાં વનરાજસિંહે કાચાકામના દસ આરોપીઓના વિરુદ્ધમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

રાણીપ પોલીસે ઈમરાન ઉર્ફે ગદૂરી શેખ, મોહંમ્મદ તુફેલી શેખ, જાકીર હુસેન શેખ, સમશેર યાસીર શેખ, ઈમરાન અસરફમીયા શેખ, સોહીલખાન પઠાણ. મકબુલખાન પઠાણ, ફુરકાનખાન પઠાણ, તબરેજખાન પઠાણ, રઈશખાન પઠાણના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે. આ તમામ આરોપીઓ હાલ કાચા કામના કેદી તરીકે હાલ જેમાં છે.

(12:18 am IST)