Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

અમદાવાદ ટ્રાફિક પોલીસે દોઢ માસમાં 60 લાખનો રોકડમાં અને 28 લાખનો ઓનલાઇન દંડ વસુલ્યો

હજુ પણ આધેડ વયના લોકો ઓનલાઇન દંડ ભરવામાં આનાકાની કરે છે.: 45 ટકા લોકો ડિજિટલ માધ્યમ દ્વારા ભરે છે દંડ

અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ ડિજિટલ બની ગઈ છે. પોલીસ પણ હવે pos મશીન દ્વારા ઓનલાઇન ટ્રાફિક દંડ વસુલે છે. જેને લઈને હવે દંડ ભરવામાં આનાકાની કે બહાના ઓછા થઈ ગયા છે. પરંતુ હજુ પણ આધેડ વયના લોકો ઓનલાઇન દંડ ભરવામાં આનાકાની કરે છે.

ત્યારે બીજી તરફ યંગસ્ટર્સ ડિજિટલ માધ્યમ દ્વારા જ ઓનલાઇન દંડ ભરવાનુ પસંદ કરે છે. જેથી પોલીસને pos મશીન આપ્યાને દોઢ મહિનામા 28 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. તો હવે 45 ટકા લોકો ડિજિટલ માધ્યમ દ્વારા દંડ ભરે છે..

અગાઉ ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાને સીસીટીવી દ્વારા ઈ-મેમો મોકલવાની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે હવે POS મશીન દ્વારા સ્થળ પર જ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ વસુલે છે ત્યારે હાલમાં 200 મશીન પોલીસને આપવામાં આવ્યા છે. જેમાંથી 135 મશીન કાર્યરત છે. ત્યારે પહેલા લોકો પૈસા નથી જેવા અવનવા બહાના બનાવીને દંડ ભરતા ન હતા.

પરંતુ હવે સ્થળ પર જ પોલીસ દ્વારા ઓનલાઇન દંડ વસુલવામાં આવે છે. ત્યારે હજુ પણ કેટલીક તકલીફો સામે આવી રહી છે તેને દૂર કરવા POS મશીનમાં QR કોડ વિકલ્પનો ઉમેરો કરવામાં આવશે. જેથી કરીને દંડ સરળતાથી ભરી શકાય. આ ઉપરાંત પોલીસ સાથેના જે ઘર્ષણો થતા હતા તે હવે ઓછા જોવા મળે છે. ત્યારે pos મશીન દ્વારા અત્યારસુધી 28 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

દોઢ માસમા અમદાવાદમા POS મશીન હોવા છંતા 60 લાખનો રોકડમા દંડ વસુલાયો છે. જયારે POS મશીનમા 28 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે એટલે કે કહી શકાય કે માત્ર હજુ 45 ટકા લોકો જ POS મશીન દ્વારા દંડ ભરે છે.ત્યારે છેલ્લા એક વર્ષમાં 5 કરોડથી પણ વધુ દંડ લોકોએ મોબાઈલ એપથી ભર્યો છે.

(11:31 pm IST)